(GNS) Dt. 10
ગાંધીનગર,

રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ૧૯ વર્ષ સુધીના ૧ કરોડ ૮૪ લાખથી વધુ કિશોર-કિશોરીઓને કૃમિનાશક દવા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે રસપ્રદ સંવાદ સાધી તેમને દૈનિક જીવનમાં સારી ટેવો કેળવવા, સ્વચ્છતા જાળવવા અને માતા-પિતા પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરણા આપી હતી.
આ અવસરે તેમણે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા આરોગ્ય કમિશનર ગ્રામ્ય ડો. રતનકવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, બાળકોમાં કૃમિના કારણે થતા રોગોને અટકાવવા આ ઝુંબેશ અત્યંત મહત્વપૂર્ણ છે. આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આંગણવાડી કાર્યકરોના સહિયારા પ્રયાસોથી રાજ્યનું એક પણ બાળક આ દવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. જોષી, આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નયન જાની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

