(જી.એન.એસ) તા. ૧૦
ખેડા,
છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લેતાં સમગ્ર જિલ્લામાં બફારો અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. જોકે, આજે નડિયાદ શહેર તેમજ તાલુકાના કપડવંજ અને કઠલાલ પંથકમાં મેઘરાજાએ ફરી મહેરબાની કરી છે.
કઠલાલ અને કપડવંજ સહિતના વિસ્તારોમાં આકાશ વાદળોથી ઘેરાયા બાદ ધીમીધારે સતત વરસાદ વરસવાનો શરુ થયો હતો જેના કારણે રોડ-રસ્તાઓ ભીંજાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી સ્થાનીક લોકો પણ બફારાથી રાહતનો અનુભવ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસના આ સમયે વરસેલા વરસાદથી ખેતી માટે ખુબ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે. લગભગ એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદથી ખેતરોમાં ઉભેલા ચોમાસુ પાકને જરૂરી પાણી મળી રહેશે.
કઠલાલ અને કપડવંજ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ, પાકને આ સમયે પાણીની સખત જરૂરિયાત હતી. મેઘરાજાએ યોગ્ય સમયે જ મહેર કરતાં પાક સુકાઈ જવાની ભીતિ ટળી છે અને પાકની ગુણવત્તા તથા ઉત્પાદનમાં મોટો ફાયદો થશે. વરસાદથી ખેડૂતોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

