સતત ચોથી વખત એટ હોમ કાર્યક્રમ માટેની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવાના 130થી વધુ કારીગરો અને 90 તજ્જ્ઞો-વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આમંત્રણ કિટ બની ભારતીય હસ્તકળાનું જીવંત દર્પણ
(જી.એન.એસ) તા, ૧૦
અમદાવાદ,
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા એટ હોમ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં મધ્ય ભારતનાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા એ ચાર રાજ્યોની સર્જનાત્મકતા અને સમૃદ્ધ હસ્તકળાનો અનોખો સંગમ જોવા મળે છે.
આ અંગે NID-અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં સતત ચોથી વખત રાષ્ટ્રપતિ ભવન દ્વારા એટ હોમ કાર્યક્રમની ઔપચારિક આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી NID-અમદાવાદને સોંપવામાં આવી છે. જે NID-અમદાવાદ સહિત ગુજરાત માટે ગૌરવની વાત છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં ચારેક માસમાં NID અમદાવાદની ટીમે છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વ્યાપક પ્રવાસ કરી કલાકાર સમુદાયો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનની ટીમ સાથે સતત સહયોગ, ચર્ચા અને અનેક તબક્કાની પ્રક્રિયા બાદ આમંત્રણમાં સમાવાયેલી કલાકૃતિઓનું સ્વરૂપ તૈયાર થયું છે. જેમાં આશરે 130 જેટલા કલાકારો સહિત 220થી વધુ લોકો જોડાયા હતા.
આ કિટમાં વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકળાની અનોખી છાપ સ્પષ્ટ જોવા મળે છે:-
* છત્તીસગઢ: અહીંની ઢોકરા કળા દ્વારા દેવકોટ જેવા પવિત્ર વનવિસ્તારોના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો છે, જ્યારે બસ્તરની લોહ-શિલ્પ (Lauh-Shilp) કળામાંથી ડિસ્પ્લે ફ્રેમ અને ઘંટ તૈયાર કરાયા છે.
• ગોવા: ગોવાના કલાકારો દ્વારા હાથેથી ચિતરાયેલી અઝુલેજો ટાઇલમાં ખાઝાન જમીનો અને દરિયાકાંઠાના જળપર્યાવરણને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે.
* મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશની ભીલ કળા દ્વારા સ્થાનિક બીજ સંરક્ષણની પરંપરા રજૂ કરવામાં આવી છે, જ્યારે ધાર જિલ્લાના બાગ પ્રિન્ટ કાપડથી ફેબ્રિક એન્વેલપ તૈયાર કરાયું છે.
* મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રની વારલી ચિત્રકળામાં છત્રપતિ સંભાજીનગરના ખામ નદી પુનઃસ્થાપન પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, આમંત્રણના બહારના કવર પર કોંકણ પ્રદેશની કાવી કળાથી પ્રેરિત ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત મહેશ્વર શૈલીમાં હાથવણાટથી તૈયાર કરાયેલો વિશેષ સ્ટોલ ચારેય રાજ્યોની વણાટ પરંપરાના પ્રાદેશિક મહત્ત્વને એકસાથે રજૂ કરે છે.
ડૉ. અશોક મોંડલે કહ્યું કે આ તમામ કૃતિઓ કારીગરો દ્વારા તેમના વિસ્તારોમાં તેમના ઘરે જ બનાવવામાં આવી છે. ખાસ કરીને, છત્તીસગઢમાં નક્સલવાદ અંકુશમાં આવ્યા બાદ બસ્તર સહિતના વિસ્તારોના કારીગરો દ્વારા આ પ્રકારની કામગીરી તેમનામાં નવા ઉત્સાહનો સંચાર કરશે અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડાવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ રીતે તૈયાર કરાયેલી કલાકૃતિઓને NID-અમદાવાદ ખાતે સંકલિત કરવામાં આવી છે. આવી આશરે 650 જેટલી આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં NIDના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ અને ટેકનિકલ સ્ટાફ પણ જોડાયા હતા. આ આમંત્રણ કિટ દેશની પ્રાચીન કળા, પર્યાવરણ સંરક્ષણ અને કુશળ કારીગરોને સમર્પિત યાદગીરી બની રહેશે.

