(જી.એન.એસ) તા. ૧૦
ધ્રાંગધ્રા,
સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાના ખુબ મહત્વપૂર્ણ ગણાતી ધ્રાંગધ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રે વર્ચસ્વ જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત કે સ્થાનિક જૂથો વચ્ચે રસાકસી જોવા મળી હતી.
આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે. સવારથી જ એપીએમસી પરિસરમાં આવેલા મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મહત્વનું છે કે, મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. વેપારી વિભાગમાં 100 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ખેડૂત વિભાગમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે 97 ટકા જેવું ભારે મતદાન નોંધાયું છે.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ બેલેટ બોક્સને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. આજે સવારે ધ્રાંગધ્રા APMC ખાતે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં ધ્રાંગધ્રા એપીએમસી પર કોનો દબદબો જામશે અને ખેડૂતો તથા વેપારીઓ કોના શિરે આ મહત્વની જવાબદારી સોંપી છે તે જાહેર થઈ જશે.

