રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાર આરોપીઓમાંથી બે આરોપીઓને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી ઝડપી પડાયા
(જી.એન.એસ) તા, ૧૦
રાજકોટ,
થોડા દિવસ અગાઉ શહેરની એક આંગડિયા પેઢીમાં થયેલી રૂ. ૧૯ લાખની લૂંટનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. હથિયાર બતાવીને રોકડ લૂંટી ગયેલા ચાર આરોપીઓમાંથી બે આરોપીઓને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
આ ઘટના 30 જુલાઈના રોજ રાજકોટના ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં બની હતી. ચાર શખ્સોએ પેઢીમાં ઘૂસીને હથિયાર બતાવીને રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો. લૂંટની કુલ રકમ રૂ. 19 લાખ હતી.
ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશ્નરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસ આરોપીઓની હિલચાલ ટ્રેસ કરતી રહી.
ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી આખરે લૂંટમાં સામેલ બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. ઝડપાયેલા આરોપીઓના નામ રમઝાનઅલી ઉર્ફે રાજ અને પ્રવીણ છે. રમઝાનઅલી પશ્ચિમ બંગાળનો અને પ્રવીણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. બંનેને અલગ-અલગ જગ્યાએથી દબોચી લેવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ વાહન અને અન્ય પુરાવા પણ કબજે કર્યા છે. હાલ બંને આરોપીઓને રાજકોટ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
હજુ પણ આ ગેંગના બે આરોપીઓ ફરાર છે. તેમના નામ આસ ઉર્ફે આસ અને અરુણ ઉર્ફે ઇલ ખટીક હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમને પકડવા માટે રાજ્ય બહાર પણ રેડ કરી રહી છે.
તેમજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓ વ્યવસાયિક લૂંટારાઓની ગેંગના સભ્યો છે. આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે. શું આ લોકોએ અગાઉ પણ આવી લૂંટો કરી છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ બાબતે રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે, “30 જુલાઈના રોજ પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં થયેલી રૂ. 19 લાખની લૂંટનો ભેદ અમે ઉકેલ્યો છે. બે આરોપી રમઝાનઅલી અને પ્રવીણને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી પકડ્યા છે. અન્ય બે આરોપી આસ અને અરુણની શોધખોળ ચાલુ છે. જલ્દી તેમને પણ પકડી લેવામાં આવશે.”

