(જી.એન.એસ) તા. ૨૮
અમદાવાદ,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને થયેલા આર્થિક નુકસાન અંગે અત્યંત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવી છે.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર હંમેશા તમામ વર્ગો પ્રત્યે સંવેદનશીલ રહી છે. નાના-મોટા વ્યાપારીઓ અને સ્વરોજગાર મેળવતા નાગરિકોના સુખ-દુઃખમાં રાજ્યની સરકાર હંમેશા ભાગીદાર બની છે. અમદાવાદ એ ગુજરાતનું આર્થિક હૃદય છે. ભારે વરસાદના કારણે વેપારીઓને થયેલા નુકસાનમાંથી બહાર લાવવા અને તેમનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરી ધંધા-રોજગાર ધબધબતા કરવા એ રાજ્ય સરકારની પ્રતિબદ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ પુનઃવસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને રૂ. એક લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલા આ પુનઃવસન સહાય પેકેજની જોગવાઇઓ આ મુજબ છે –
૧. લારી/રેકડી ધારકો – ઉચ્ચક રૂ.૭,૫૦૦/- ની રોકડ સહાય
૨. નાની સ્થાયી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટ સુધી હોય તે) – ઉચ્ચક રૂ.૨૫,૦૦૦/- ની રોકડ સહાય
૩. મોટી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટથી વધારે હોય તે) – ઉચ્ચક રૂ. ૫૦,૦૦૦/- ની રોકડ સહાય
૪. પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલ હોય) – ઉચ્ચક રૂ. ૧,૦૦,૦૦૦/- ની રોકડ સહાય
૫. પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્ન ઓવર રૂ. ૭.૫ લાખ સુધી હોય) – રૂ. ૨૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ. ૫ લાખની મર્યાદામાં)
૬. પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ.૭.૫ લાખથી ૧૫ લાખ સુધી હોય) – રૂ. ૨૫ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજસહાય (વધુમાં વધુ કુલ રૂ. ૮ લાખની મર્યાદામાં)
૭. પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ. ૧૫ લાખથી વધુ હોય) – રૂ. ૩૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ. ૧૦ લાખની મર્યાદામાં)
ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ મળવાપાત્ર થશે.
ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને નુકસાન સહાય માટે સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે.
જે અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેવા એકમો આ પેકેજ અંતર્ગત સહાયપાત્ર થશે નહી.
ગુજરાતના આર્થિક પાટનગર સમાન અમદાવાદના વેપારીઓ અને સ્વરોજગાર ધરાવતા નાગરિકો ઝડપથી પગભર થાય અને તેમનો વેપાર-રોજગાર પુનઃ પૂર્વવત બને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધતા સાથે તેમની સાથે ઊભી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

