(જી.એન.એસ) તા. ૩૦
દોહા,
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થતાં આખી દુનિયાએ રાહત મેળવી હતી, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા સાથે શાંતિ મંત્રણા વચ્ચે ઈરાને પડદા પાછળ તેની સૈન્ય શક્તિને વધુ આધુનિક બનાવવા પર ધ્યાન આપ્યું અને તેણે નવી પેઢીના ડ્રોનનો સૈન્યમાં સમાવેશ કર્યો છે જ્યારે તેની બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમને પણ અપગ્રેડ કરી છે. બીજીબાજુ હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ જાળવી રાખવા માટે અમેરિકાના તાજા હુમલાના જવાબમાં ઈરાને ફરી એક વખત બહરીન અને કુવૈતમાં અમેરિકાના આઠ સૈન્ય સ્થળો પર હુમલા કર્યા હતા. સાથે તેણે અમેરિકાને વધુ હુમલા થશે તો શાંતિ મંત્રણા અટકાવી દેવાની ચેતવણી આપી છે.
ઈરાનની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ કહ્યું કે, યુદ્ધ દરમિયાન જ ઈરાને નવી પેઢીના ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ તૈયાર કરીને તેનો સેનામાં સમાવેશ કર્યો છે. તેમનો દાવો છે કે ઈરાને યુદ્ધનો માત્ર રક્ષાની લડાઈ જ નહીં, પરંતુ સૈન્ય ટેકનિકને આગામી સ્તર પર લઈ જવાની તક તરીકે ઉપયોગ કર્યો છે.
અમેરિકા અને ઈઝરાયેલ રમઝાન મહિનામાં ઈરાન પર મિસાઈલ અને બોમ્બ વરસાવી રહ્યા હતા ત્યારે ઈરાન ચૂપચાપ ઘાતક અને વધુ સચોટ હુમલા માટેના હથિયાર વિકસાવી રહ્યું હતું. ઈરાની સેનાના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે, રમઝાન યુદ્ધના અંતિમ દિવસોમાં ઈરાની સશસ્ત્ર દળોએ એવા નવા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેના પર પહેલાથી રિસર્ચ ચાલી રહ્યા હતા અને ચાલુ યુદ્ધમાં જ તેનો સેનામાં સમાવેશ કરાયો હતો.
તેમણે ઉમેર્યું કે, ઈરાનની સેનાએ ચાલુ યુદ્ધમાં મિસાઈલોને અપગ્રેડ કરી. યુદ્ધમાં જૂના હથિયારોનો ઉપયોગ ચાલુ રાખતા રિસર્ચ અને ડેવલપમેન્ટ પર પણ સતત કામ ચાલુ રાખ્યું હતું. વધુમાં હથિયારોનું ઘરેલુ ઉત્પાદન વધારવાની સાથે મિત્ર દેશો પાસેથી આધુનિક સૈન્ય ઉપકરણો ખરીદવાની દિશામાં પણ કામ ચાલુ રાખ્યું હતું.
દરમિયાન હોર્મુઝની ખાડી પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ઈરાને ઓમાનના માર્ગે જહાજોના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના વિરોધમાં અમેરિકાએ ઈરાન પર તાજા હુમલા કર્યા હતા. આ સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાનને યુદ્ધવિરામનો ભંગ નહીં કરવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું, યુદ્ધવિરામ સમજૂતીના ભંગના જવાબમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન સંગ્રહ કેન્દ્રો પર અમેરિકાએ હુમલા કર્યા છે. અમેરિકા સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો ઈરાનનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
અમેરિકાના આ હુમલાના જવાબમાં ઈરાને રવિવારે બહરીન અને કુવૈતમાં આઠ અમેરિકન સૈન્ય સ્થળોને નિશાન બનાવતા મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આઈઆરજીસીએ રવિવારે હુમલાની પુષ્ટી કરતા કહ્યું કે તેણે કુવૈતમાં અમેરિકન અલી અલ સલેમ એરબેઝ અને બહરીનના પોર્ટ સલમાનમાં અમેરિકન પાંચમા નેવી કાફલા પર બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ સાથે આઈઆરજીસીએ ચેતવણી પણ આપી કે અમેરિકા તેના હુમલા ચાલુ રાખશે તો શાંતિ મંત્રણા ભાંગી પડશે.

