હવામાન વિભાગે અનેક જીલ્લાઓ માટે ભારે પવન અને વરસાદ માટે કરી આગાહી
(જી.એન.એસ) તા. ૩૦
ગાંધીનગર,
ગુજરાતમાં આજથી વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 2થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયા કિનારે સર્જાનારી આ તોફાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર અશોક દાસે જણાવ્યું કે, ‘આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય 110.8 મીમી સામે માત્ર 19.9 મીમી જ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 82 ટકાની ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત સાથે જ આ ઘટ પૂરી થાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે.’
બીજી તરફ ત્રીજી અને ચોથી જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.
ચોથીથી છઠ્ઠી જુલાઈ દરમિયાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, એકસાથે ચાર મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે જે ભારે વરસાદ લાવશે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઑફશોર ટ્રફ અને મધ્ય પ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ સક્રિય છે. જ્યારે બીજી જુલાઈએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે અને આ ભારે વરસાદ થશે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે પવન સાથે ‘થંડરસ્ટોર્મ ચેતવણી’ પણ આપી છે, જેથી સ્થાનિક તંત્રને પણ ઍલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

