(જી.એન.એસ) તા. ૩૦
તાપી/ભરૂચ/સુરત,
છેલ્લા ઘણા દિવસોથી અતિશય ગરમી અને બફારાથી કંટાળેલા લોકોને મળી રાહત, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ ગીર સોમનાથના ઉના પંથકમાં પણ લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
વહેલી સવારથી જ અંકલેશ્વર, હાંસોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યારબાદ ધીમી ધારેથી શરૂ થયેલો વરસાદ થોડા જ સમયમાં ધોધમાર વરસાદમાં ફેરવાઈ ગયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે.
બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ખરીફ પાકની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. વરસાદથી ખેતરોમાં પૂરતી ભેજ સર્જાતા વાવણીની કામગીરીને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે દૃશ્યતા ઘટતાં વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓ પર કાદવ થતાં અવરજવરમાં પણ અસર જોવા મળી હતી.
બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં લાંબી રાહ અને આતુરતા બાદ આખરે મેઘરાજાએ એન્ટ્રી કરતાં ઉના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી તથા ઉકળાટ માંથી લોકોને મોટી રાહત મળી છે. શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે અનેક લોકોએ વરસાદની મજા પણ માણી હતી.
મેઘરાજાના આગમન સાથે જ ખેડૂતોના ચહેરા પર ખુશી ફરી વળી છે. હવે ખેડૂતો ચોમાસુ પાકની વાવણીની કામગીરીને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, તલ, સોયાબીન, બાજરી, જુવાર, મકાઈ, મગ, અડદ તેમજ વિવિધ શાકભાજીના પાકોની વાવણી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં પશુઓ માટે ચારા પાકનું પણ વાવેતર થાય છે.
વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં નિયમિત વરસાદ ચાલુ રહેશે તો પાકનો વિકાસ સારો થશે અને ઉત્પાદન પણ વધવાની સંભાવના છે.
ખેડૂતોનું કહેવું છે કે સમયસર કરતાં થોડો મોડો પડેલો આ વરસાદ પણ ખેતી માટે અમૃત સમાન સાબિત થશે. વરસાદના આગમનથી સમગ્ર ઉના પંથકમાં આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધીમી ધારે વરસેલા વરસાદે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત અપાવી છે. વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર સહિતના વિસ્તારોમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લામાં અનેક તાલુકાઓમાં પડેલા વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઊઠશે અને અહીં પ્રવાસીઓની અવર જવર પણ ચાલુ થઈ જશે જેના કારણે ગ્રામીણ વિસ્તાર ન લોકોને રોજગારી તક ઊભી થશે.

