(જી.એન.એસ) તા. ૨૦
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રશિયાના અસ્ટ્રાખાનના ગવર્નર શ્રી ઇગૌર બાબુશ્કિન સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ બેઠક યોજીને બંને પ્રદેશો વચ્ચેની ભાગદારી ને વધુ સંગીન કરવા અંગે ચર્ચા-વિમર્શ કર્યા હતા.
આ બેઠકમાં બંને પ્રદેશો વ્યાપાર, શિક્ષણ અને શિપ બિલ્ડીંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમત થયા હતા.
એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ પરિવહન કૉરિડોર વિકાસના ભાગ રૂપે પરિવહન અને લૉજિસ્ટિક્સમાં સહયોગ આપવા પણ તત્પરતા દર્શાવી હતી અને રાજ્યમાં રહેલી જહાજ નિર્માણની તકો અંગેની પણ ભૂમિકા આપી હતી.
ગુજરાત અને અસ્ટ્રાખાન દ્વારા 2001માં પ્રોટોકોલ સહકાર અંગે કરવામાં આવેલા કરાર છઠ્ઠી નવેમ્બર, 2026 સુધી અમલમાં છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ઓઇલ અને ગેસ, શીપ બિલ્ડીંગ, ફુડ ઇન્ડસ્ટ્રીઝ, મત્સ્ય ઉદ્યોગ, દવાઓ અને ફાર્માસ્યુટીકલ અંગે મેમોરેન્ડમ કરીને સહકાર આપવાના કરેલા કરાર ઉપરાંત માનવ સંસાધન વિકાસ અન્વયે શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે પણ સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે.
તેની પણ ચર્ચા આ વર્ચ્યુઅલ બેઠકમાં થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં અસ્ટ્રાખાન પ્રદેશના એક્સટર્નલ અફેર્સ મંત્રીશ્રી સાથે થયેલી વર્ચ્યુઅલ બેઠકમાં અસ્ટ્રાખાનના SEZ માં રોકાણ કરવા, અસ્ટ્રાખાન પ્રદેશની યુનિવર્સિટીઓ સાથે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટી સાથે MoU કરવા અંગે ની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત મેરિટાઇમ યુનિવર્સિટી સાથે દરિયાઇ પરિવહન સંબંધના કોર્ષના આદાનપ્રદાન કરવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બેઠકમાં બંને પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થઈ હતી અને પરસ્પર પ્રતિનિધિમંડળ મોકલવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

