(જી.એન.એસ) તા. ૨૦
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોમર્શિયલ અને PNG ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ સંદર્ભે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કટોકટી વચ્ચે રાજ્યના સામાન્ય નાગરિકોને ઘરવપરાશ માટે D-PNG ગેસ સરળતાથી મળે તે માટે સરકારે ખૂબ જ ઝડપથી કામગીરી કરી છે. ગુજરાત એનર્જી લિ. (GEL) દ્વારા ગત તા. ૧ થી ૧૭ માર્ચના સમયગાળા દરમિયાન સામાન્ય નાગરિકોને ૪૦ હજાર નવા D-PNG ગેસ કનેક્શન અને ૧૩ હજાર પુનઃ જોડાણ આપ્યા છે. આ ઉપરાંત ૫૦૦ નવા વેપારી જોડાણ પણ આપ્યા છે.
સમગ્ર ગુજરાતની વાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત એનર્જી લિ. સહિત રાજ્યની તમામ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ મળીને આશરે ૮૫ હજાર D-PNG કનેક્શન અને ૧,૧૦૦ કોમર્શિયલ જોડાણ પૂરા પાડ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે સામાન્ય જનતા સાથે જોડાયેલી સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ-કોલેજ અને ફેક્ટરીઓની કેન્ટીનને પ્રાથમિકતાના ધોરણે ગેસ કનેક્શન આપ્યા છે. આ ટૂંકા ગાળામાં આવી સંસ્થાઓને GEL દ્વારા ૧૧૦ અને રાજ્યની અન્ય કંપનીઓ દ્વારા ૨૨૫ કનેક્શન આપવામાં આવ્યા છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ આખા દેશનું ગૌરવ છે, તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, આ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે લીધેલા ત્વરિત નિર્ણયોને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોમાં ફરીથી તેજી આવી છે. અત્યારે મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ GEL દ્વારા ગેસ વિતરણનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગત માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં કાચો માલ મોંઘો થવાને કારણે અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધવાના કારણે મોરબીના ઘણા કારખાનાના માલિકોએ સ્વેચ્છાએ કારખાનામાં કામકાજ બંધ કર્યું હતું. પરિણામે તા. ૩૧ માર્ચની સ્થિતિએ મોરબીમાં માત્ર ૮૩ કારખાના ચાલુ હતા. રાજ્ય સરકાર અને GELના પ્રયાસોથી આજે માત્ર દોઢ જ મહિનાના સમયગાળા બાદ મોરબીમાં ફરી એકવાર ૬૭૦થી વધુ કારખાના ધમધમતા થયા છે. હાલમાં મોરબીના ૮૬૫ જેટલા ઔદ્યોગિક એકમો GELના ગેસ પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા છે.
મંત્રીશ્રીએ ખાસ ધ્યાન દોર્યું હતું કે, વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ગેસ સપ્લાય ખોરવાય નહીં તે માટે GEL દ્વારા ભારત સરકારની સૂચના મુજબ મધ્ય પૂર્વ સિવાયના બીજા દેશોના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરવામાં આવી હતી. આટલું જ નહીં, GEL દ્વારા મોરબી સિરામિક એસોસિએશન સાથે બેઠક કરીને મે મહિના માટે ગેસના ભાવ પણ સ્થિર રાખવાની ખાતરી પણ આપવામાં આવી હતી. જેના પરિણામે આજે મોરબીના ઔદ્યોગિક એકમો ફરી ધમધમતા થયા છે.

