(જી.એન.એસ) તા. ૨૦
ગાંધીનગર,
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતનું કૃષિ અને બાગાયત ક્ષેત્ર અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું છે. ખેડૂત-કેન્દ્રિત નીતિઓ, સિંચાઈની સુવિધાઓ અને ટેક્નોલૉજીના સમન્વયથી રાજ્યમાં ખાસ કરીને બાગાયતી ખેતીને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે બાગાયત પાકોની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. ગુજરાતના સ્ટ્રોબેરી હબ તરીકે ઊભરેલા ડાંગ જિલ્લાએ આ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનુકૂળ આબોહવા, પ્રાકૃતિક ખેતી અને વધતી બજાર માંગને કારણે જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2022-23માં જ્યાં 20 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી થતી હતી, તે હવે 2025-26માં વધીને અંદાજે 33 હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે.
વર્ષ 2025-26માં સ્ટ્રોબેરીનું ઉત્પાદન 233 મેટ્રિક ટન સુધી પહોંચવાની શક્યતા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડાંગને દેશનો પ્રથમ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળવાથી ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉત્પાદનમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સ્ટ્રોબેરીનું ઉત્પાદન વર્ષ 2022-23ના 140 મેટ્રિક ટનથી વધીને 2024-25માં 196 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. જ્યારે વર્ષ 2025-26માં આ આંકડો 233 મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે.
ડાંગ જિલ્લાની આબોહવા અને જમીન સ્ટ્રોબેરીની ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે. આ પાક પાણીનો યોગ્ય નિકાલ કરી શકતી, સેન્દ્રિય તત્ત્વોથી ભરપૂર, રેતાળ અને ગોરાડુ જમીનમાં સારી રીતે ઊગે છે. આ જમીનનો પીએચ 5.5 થી 7.0 વચ્ચે હોય છે અને તે નુકસાનકારક સૂક્ષ્મજીવોથી મુક્ત માનવામાં આવે છે. ઉપરાંત, અનુકૂળ વરસાદ અને શીતળ વાતાવરણ સ્ટ્રોબેરીની ખેતી માટે વધુ લાભદાયી બને છે. સ્ટ્રોબેરી ટૂંકા ગાળાનો પાક હોવાથી તેને ફૂલ આવવામાં અને ફળ બનવા માટે 8 થી 12 કલાક સૂર્યપ્રકાશ આવશ્યક છે, જ્યારે દિવસ દરમિયાન 22°C થી 25°C અને રાત્રે 7°C થી 13°C તાપમાન આ પાક માટે આદર્શ માનવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માણી રહ્યા છે સ્ટ્રોબેરીની મીઠાશ
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા તાલીમ શિબિરોના આયોજન અને માર્ગદર્શન મળવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા બાદ અહીં પ્રાકૃતિક પદ્ધતિથી થતી સ્ટ્રોબેરીની ખેતીને નવી ઓળખ મળી છે. અહીં ખેડૂતો વિન્ટર ડૉન, અર્લી વિન્ટર, કેમેરોઝા, સ્વીટ ચાર્લી, નાભિલા, નાબાડી, સેલ્વા, બેલરૂબી અને પજેરો જેવી 9 જાતોની સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. તેમાં પણ ‘વિન્ટર ડૉન’ ખેડૂતોમાં સૌથી લોકપ્રિય છે, કારણ કે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી-માર્ચ સુધી તેની સારી ઉપજ મળે છે.
ડાંગમાં ગ્રામ્યસ્તરે સ્ટ્રોબેરીની ખેતીના વિશિષ્ટ ક્લસ્ટર વિકસ્યા છે. આહવા તાલુકામાં ભૂરાપાણી, બોરીગવઠા, ગલકુંડ, કોટમદાર, માલેગાંવ, ડભાસ, સોનુનિયા અને વનર ગામોમાં મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી થાય છે. જ્યારે વઘઈ તાલુકામાં કંચનપાડા, ઘોડવહાલ, મુરંબી અને આસપાસના ગામોમાં સ્ટ્રોબેરીની ખેતી નોંધપાત્ર પ્રમાણમાં થઈ રહી છે.
રાજ્ય સરકાર ખેડૂતોને આપે છે 55 થી 75 ટકા સુધી સહાય
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટ્રોબેરીના રોપા તથા અન્ય ખેતી ખર્ચ પર 55 થી 75 ટકા સુધી સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, પ્લાસ્ટિક કવર, મલ્ચિંગ મટિરિયલ, પ્લાસ્ટિક ક્રેટ, પેકિંગ મટિરિયલ તેમજ મિની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર અને ટ્રોલી જેવા કૃષિ યાંત્રિક સાધનો માટે પણ સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે. બાગાયત વિભાગ દ્વારા યોજાતા તાલીમ કાર્યક્રમો અને શૈક્ષણિક મુલાકાતોથી ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
સ્ટ્રોબેરીની ખેતીથી ખેડૂતોને હેક્ટર દીઠ ₹7 થી ₹8 લાખ સુધીની આવક થઈ રહી છે
ડાંગના ઘણાં ખેડૂતો આજે સ્ટ્રોબેરીની ખેતી કરીને આર્થિક પ્રગતિ કરી રહ્યા છે. પહેલાં આ ખેડૂતો નજીકના ઔદ્યોગિક વિસ્તારો અને મહારાષ્ટ્રના ખેતરોમાં મજૂરી કામ કરીને આર્થિક ગુજરાન ચલાવતા હતા. સ્થાનિક સ્તરે તેઓ ડાંગર, નાગલી, અડદ અને વરાઈ જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા, જેમાં આવક મર્યાદિત હતી. પરંતુ, સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા બાદ ખેડૂતોને હવે હેક્ટર દીઠ દર વર્ષે અંદાજે ₹7 થી ₹8 લાખ સુધીની કમાણી થઈ રહી છે. શરૂઆતમાં સાપુતારા અને આહવા જેવા સ્થાનિક બજારોમાં વેચાતી સ્ટ્રોબેરી હવે અમદાવાદ, સુરત અને ભરૂચ જેવા મોટા બજારો સુધી પહોંચી રહી છે. સાથે જ, સ્થાનિક લોકોને મોસમી રોજગારની તકો પણ મળી રહી છે.

