(જી.એન.એસ) તા. ૨૦
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની એક કથિત ટિપ્પણી, જેમાં તેમણે કહ્યું હતું કે “કેટલાક યુવાનો વંદો જેવા હોય છે જે નોકરી ન મળતા સોશિયલ મીડિયા કે RTI દ્વારા સિસ્ટમ પર હુમલો કરે છે”, તેના પરથી આ નામ પ્રેરિત છે. જો કે બાદમાં આ નિવેદન ખોટી રીતે રજૂ થયું હોવાની સ્પષ્ટતા કરાઈ હતી, પણ CJP ના સ્થાપકે કટાક્ષમાં આ સ્પષ્ટતાની નિંદા કરી હતી.
આ અંગે વિવિધ અહેવાલો આવતા, બીજા જ દિવસે 16 મેના રોજ ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે સ્પષ્ટતા કરી કે, મારી ટિપ્પણીને ખોટી રીતે ટાંકવામાં આવી છે. મારો ઈશારો માત્ર એવા લોકો તરફ હતો જેઓ નકલી ડિગ્રીઓ સાથે કાયદાના વ્યવસાયમાં ઘૂસી જાય છે. તેમણે દેશના સામાન્ય યુવાનોના વખાણ કરતા તેમને ‘વિકસિત ભારતના આધારસ્તંભ’ પણ કહ્યા. પરંતુ, ત્યાં સુધીમાં તો ઇન્ટરનેટની દુનિયામાં આક્રોશનો વંટોળ શરૂ થઈ ચૂક્યો હતો.
એક એવો રાજકીય પક્ષ, જે બે દિવસ પહેલાં અસ્તિત્વમાં જ નહોતો, જેની પાસે કોઈ કરોડોનું ફંડ નથી કે નથી કોઈ મોટો પાયાનો કાર્યકર્તા બેઝ, છતાં માત્ર 72 કલાકમાં 53 લાખથી વધુ સભ્યો એ પક્ષ સાથે જોડાઈ જાય છે! એટલું જ નહીં, અન્ય પક્ષના સંસદ સભ્યો પણ તેમાં જોડાવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. સાંભળવામાં આ કોઈ કાલ્પનિક ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું લાગે, પરંતુ ભારતના સોશિયલ મીડિયામાં આ હકીકત બની ચૂક્યું છે.
બેરોજગાર યુવાનો, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણમાંથી જન્મેલો આ નવો ટ્રેન્ડ એટલે ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party- CJP). જેનું સ્લોગન છે: ‘ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ!’ (Secular, Socialist, Democratic, and Lazy)
ચીફ જસ્ટિસની ટિપ્પણી સામે વિરોધ નોંધાવતાં અભિજિત દીપકે એક્સ પર લખ્યું કે, ‘કાયદેસર ડિગ્રી ન હોવાને કારણે કોઈને દેશના નાગરિકોને પરજીવી કહેવાનો અધિકાર નથી.’ આ દરમિયાન તેમણે એક્સ પર મજાકમાં એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને ‘બધા વંદાઓ માટે નવું પ્લેટફોર્મ’ એટલે કે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ની જાહેરાત કરી.
આ આઈડિયા એટલો વાઇરલ થયો કે માત્ર 3 કલાકમાં 5000થી વધુ લોકોએ ફોર્મ ભરી દીધું. આગામી 48થી 72 કલાકમાં આ આંકડો 53 લાખને પાર થઈ ગયો. પક્ષે પોતાની સત્તાવાર વેબસાઇટ બનાવી, AI-જનરેટેડ પાર્ટી એન્થમ (ગીત) લોન્ચ કર્યું, જેની લાઈનો હતી: ‘અમે વંદા પાર્ટી છીએ, અમે સળગતા શહેરના બાળકો છીએ…’ (We are the Cockroach Party, We are the kids of the burning city…). આ પક્ષે તેમનું ચૂંટણી પ્રતીક ‘મોબાઈલ ફોન’ રાખ્યું છે અને જાહેર કર્યું છે કે, ‘દરેક ફોન હવે હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ પ્રતિકારનું પ્રતીક.’
આમ, સોશિયલ મીડિયામાં CJPને ધમાકેદાર સફળતા મળી. આ લખાય છે ત્યાં સુધીમાં તેને ઇન્સ્ટાગ્રામ પર 53 લાખથી વધુ ફોલોઅર્સ મળી ગયા છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પક્ષે તેમનું ચૂંટણી પ્રતીક ‘મોબાઈલ ફોન’ રાખ્યું છે અને જાહેર કર્યું છે કે, ‘દરેક ફોન હવે હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ પ્રતિકારનું પ્રતીક.’
કોણ છે અભિજિત દીપક?
30 વર્ષીય અભિજિત દીપકે હાલ અમેરિકામાં છે, જ્યાં તેમણે તાજેતરમાં જ બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો છે. જો કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને લોકોના આગ્રહને કારણે તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી આ ઓનલાઈન ચળવળને વાસ્તવિક આંદોલન તરીકે આગળ વધારી શકાય.
મૂળ તો તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની છે. 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ની સોશિયલ મીડિયા ટીમ સાથે સ્વયંસેવક તરીકે કામ કરી ચૂકેલા અભિજિત પાસે ઇન્ટરનેટ કલ્ચર અને વાઇરલ ટ્રેન્ડ્સની ઊંડી સમજ છે.
CJPમાં જોડાવા માટેના અનોખા નિયમો
1. તમે બેરોજગાર (Unemployed) હોવા જોઈએ.
2. તમે આળસુ (Lazy) હોવા જોઈએ.
3. તમે ક્રોનિકલી ઓનલાઈન (લાંબા સમય સુધી ઇન્ટરનેટ પર સક્રિય) રહેતા હોવા જોઈએ.
4. તમારી પાસે વ્યાવસાયિક રીતે બડબડાટની (Professional ranting) ક્ષમતા હોવી જોઈએ.
CJPએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે, તે યુવાનો માટે ભારતીય રાજકારણના ભવિષ્યને આકાર આપવા માટેનું એક મજબૂત પ્લેટફોર્મ છે. આ માટે પક્ષ ટૂંક સમયમાં જ એક રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરશે, જેમાં યુવા નાગરિકો પાસેથી વિવિધ સૂચનો, વિચારો અને પ્રતિસાદ મંગાવવામાં આવશે. જેથી પક્ષે કયા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને યુવાનો દેશમાં કેવા બદલાવો જોવા માંગે છે તે અંગે વ્યાપક ચર્ચા કરી શકાય.

