(જી.એન.એસ) તા. ૨૦
ગાંધીનગર,
વન નેશન વન ઇલેક્શન અંગે રાજ્યોના પ્રતિભાવો અને સુઝાવો લેવા આવેલી જોઇન્ટ પાર્લામેન્ટ કમિટિ સમક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’ થી સાકાર થશે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે જે પી સી દ્વારા આયોજિત બેઠકમાં
મુખ્યમંત્રીએ તેમનાં પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષથી વધુ સમયમાં આપણે અનેક બંધારણીય સુધારાઓના સાક્ષી બન્યા છીએ. જેમાં ‘વન નેશન, વન ટેક્સ’, ‘વન નેશન, વન રાશન કાર્ડ’, ‘વન નેશન, વન ગ્રીડ’, ‘વન નેશન, વન સબસ્ક્રીપ્શન’ જેવી પહલોં શામેલ છે. આ તમામ સુધારાઓથી વહીવટમાં એકરૂપતા આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક દેશની વિકાસ યાત્રામાં સુશાસનની સાથે સાથે સ્પષ્ટ નીતિ અને જનભાગીદારી ખૂબ જ જરૂરી છે. અને આ માટે ‘વન નેશન, વન ઇલેક્શન’ દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
દેશની આઝાદી બાદ સતત 15 વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થતી હતી. પરંતુ રાજકીય અસ્થિરતાના કારણ એ વ્યવસ્થા તૂટી તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ તેમનાં પ્રતિભાવમાં કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતુ કે, ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં કે જ્યાં અન્ય પ્રદેશોનાં લાખો શ્રમિકો કામ કરે છે. વારંવાર થતી ચૂંટણીઓના કારણે આ શ્રમિકોનાં મોટા વર્ગને મત આપવા માટે પોતપોતાના વતનમાં જવું પડે છે. જેના કારણે ગુજરાત રાજ્યના ઉત્પાદન પર પણ વિપરીત અસર પડે છે.
તેમણે આ મુદ્દાઓ પર વધુ છણાવટ કરતા કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં મોટાપાયે લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરની જરૂર પડે છે.
આના કારણે માટોભાગનું સરકારી તંત્ર ચૂંટણીનાં કામોમાં વ્યસ્ત રહે છે. આ ઉપરાંત એની પાછળ થતો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવવો પડે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બંધારણીય સુધારાને રાષ્ટ્રહિતનો ગણાવતા કહ્યું કે, ભારતની જીવંત લોકશાહીમાં જનતાની ભાગીદારી વધારવા અને નાગરિકોનો ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહ વધારવામાં આ સુધારો મહત્વપૂર્ણ સાબિત થશે.
આ મુદ્દા પર પ્રતિભાવ સાંભળવા આવેલી જેપીસીને અન્ય રાજકીય પક્ષોનાં ‘વન નેશન વન ઇલેક્શન’ અંગેનાં વિવિધ વિચારો જાણવા મળશે તેમજ આ તમામ વિચારોને એકસૂત્રતાએ બાંધવાથી નવો માર્ગ મળશે તેવો મત પણ મુખ્યમંત્રીશ્રી વ્યક્ત કર્યો હતો.

