130 તાલુકા કેટેગરી-A અને 138 તાલુકા કેટેગરી-Bમાં સમાવાયા; 34 જિલ્લાઓને આવરી લેવાયા
(જી.એન.એસ) તા. ૧૧
ગાંધીનગર,
રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા અને વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ જાહેર કર્યું છે. આ વર્ગીકરણમાં રાજ્યના કુલ 268 તાલુકાઓમાંથી 130 તાલુકાઓને કેટેગરી-A અને 138 તાલુકાઓને કેટેગરી-Bમાં સમાવાયા છે. આ વર્ગીકરણ રાજ્યના 34 જિલ્લાઓને આવરી લે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ વર્ગીકરણમાં રાજ્યમાં નવા તાલુકાઓની રચના અને નવી ઔદ્યોગિક નીતિને ધ્યાનમાં લેવામાં આવી છે.
ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહનો અંગે સ્પષ્ટતા
નવા વર્ગીકરણથી નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા અથવા હાલના એકમોનું વિસ્તરણ કરવા ઇચ્છતા ઉદ્યોગસાહસિકોને પોતાના પ્રોજેક્ટના સ્થળ પ્રમાણે લાગુ પડતી કેટેગરી અને પ્રોત્સાહન યોજનાઓની જોગવાઈઓ સમજવામાં સરળતા રહેશે. પ્રોત્સાહનોનો લાભ સંબંધિત યોજનાની પાત્રતા, નિયમો અને શરતોને આધીન રહેશે.
નીતિમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો તથા પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટવોટર રિસાયક્લિંગ, સ્વચ્છ ઉત્પાદન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ પણ નીતિનો ભાગ છે.
તાલુકાઓના સુધારેલા વર્ગીકરણથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા અને સંતુલિત ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટેનું માળખું વધુ સ્પષ્ટ બનશે.

