(જી.એન.એસ) તા. ૧૦
ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા માટે લેવાયેલા પ્રજાભિમુખ નિર્ણયના સફળ અમલીકરણમાં નાણા વિભાગ દ્વારા અભૂતપૂર્વ અને પારદર્શક કામગીરી હાંસલ કરવામાં આવી છે. આ કામગીરી કેબિનેટ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્ય કક્ષાના નાણા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી છે.
મુખ્ય સિદ્ધિઓ અને સઘન કામગીરી૧૯,૨૨૯ કેસોનો ત્વરિત નિકાલ:
NPS ઉપાડ શાખા દ્વારા NPS થી OPS રૂપાંતર, નિવૃત્તિ અને અવસાનના કુલ ૧૯,૨૨૯ કેસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી અવસાન અથવા નિવૃત્તિના ૧,૦૩૭ કેસોમાં રૂ. ૧૨૪.૦૮ કરોડની પેન્શન ઓથોરિટી સમયસર ઇસ્યુ કરવામાં આવી છે.
રૂ.૧,૦૧૯ કરોડથી વધુનું સરકારી વળતર જમા:
NPS સરકારી ફાળા પર પ્રાપ્ત થયેલ રૂ. ૧,૦૧૯.૬૯ કરોડનું વળતર હપ્તે-હપ્તે વિભાજિત કરવાને બદલે એકસાથે સરકારશ્રીના “૦૦૪૯ – વ્યાજની પ્રાપ્તિ” સદરે જમા કરાવી બજેટ અને વિકાસ કાર્યો માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
રૂ. ૨,૨૩૦ કરોડનું D.D. ચૂકવણું: કુલ ૩૨૭ ડિમાન્ડ ડ્રાફ્ટ (D.D.) મારફતે રૂ. ૨,૨૩૦.૨૨ કરોડની રકમનું DEO, DPEO અને શાસનાધિકારીઓને સુચારુ ચુકવણું કરવામાં આવ્યું છે.
QR અને બાર કોડથી પારદર્શકતા:
નાણાકીય ગેરરીતિ અટકાવવા માટે ઓથોરિટી અને D.D. ડિસ્પેચ લેટરમાં QR તથા બાર કોડ ટેકનોલોજીનો ઉપયોગ કરી સંપૂર્ણ પારદર્શકતા જાળવવામાં આવી છે.
બલ્ક પ્રોસેસિંગ પદ્ધતિ:
જિલ્લા કચેરીવાર બલ્ક પ્રોસેસિંગ પદ્ધતિ અપનાવીને વિલંબ અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
નાણા મંત્રીશ્રીઓના નેતૃત્વમાં નાણા વિભાગ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી, ગાંધીનગરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આટલી વિશાળ અને સંવેદનશીલ હિસાબી કામગીરી અત્યંત નિષ્ઠા, પારદર્શકતા અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જે કચેરીની એક વિશેષ સિદ્ધિરૂપ છે.

