(જી.એન.એસ) તા. ૧૧
ગાંધીનગર,
ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં મુખ્ય પક્ષો જેવા કે ભાજપના 44, કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 32 તેમજ અન્ય પક્ષ અને અપક્ષના ઉમેદવારો મળીને કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૫% થી વધુનું મતદાન થયું હતું.
ધારાસભ્ય રીટાબેન પટેલે સેક્ટર 22 સ્થિત સફલ વિદ્યાલય ખાતે પોતાનો મત આપ્યો હતો અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. બીજી તરફ, વયોવૃદ્ધ નાગરિકોમાં પણ મતદાન પ્રત્યે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 92 વર્ષના દાદાએ શારીરિક રીતે અશક્ત હોવા છતાં વ્હીલચેર પર આવીને પોતાનો મતાધિકાર વાપરીને લોકશાહીની ઉમદા મિસાલ પેશ કરી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 3 માં સમાવિષ્ટ પાલજ ગામ ખાતે બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. પાલજ પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર વિશેષ કરીને મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ નજરે પડી રહ્યો છે. આસો નવરાત્રિનો તહેવાર હોવા છતાં મહિલા મતદારોએ જણાવ્યું હતું કે નવરાત્રિના તહેવારની ઉજવણી સાથે લોકશાહીના આ પવિત્ર પર્વમાં મતદાન કરવું પણ એટલું જ જરૂરી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સેક્ટર 19 સુવિધા કચેરી ખાતે ફાળવેલા બૂથમાં જિલ્લા પોલીસ વડાએ મતદાન કર્યું હતું. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ આ દરમિયાન વધુમાં વધુ લોકો મતદાન કરવા બહાર આવે તેવી અપીલ કરી હતી.
રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, ગાંધીનગર પાલિકાની ચૂંટણીને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 SP,6 DYSP બંદોબસ્તમાં ગોઠવાયા છે. 20 PI, 60 PSI મળીને કૂલ 1000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં છે. હાલમાં કોઇ ફરિયાદ મળી નથી. વાવોલમાં સામાન્ય માથાકુટ હતી ત્યાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. હાલ શાંતપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.
સેક્ટર 1 ખાતે મતદાન કર્યા બાદ ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ સવારના કલાકોમાં ઓછું મતદાન થયું હોવાથી જનતાને ઉત્સાહભેર બહાર આવવા વિનંતી કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સેક્ટર 19 ના મતદાન મથકે પહોંચીને પોતાનો મત આપ્યો હતો અને લોકોને લોભ, લાલચ કે પક્ષપાતથી દૂર રહીને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મતદાન બાદ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગાંધીનગરને મનપાનો દરજ્જો આપવા જાગૃત નાગરિકોએ લડત આપી હતી, પરંતુ વર્તમાન શાસકોએ પક્ષપલટાની રાજનીતિ શરૂ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાલચ આપવાના પ્રયાસો કર્યા છે. વધુમાં, સેક્ટર 19 ના સુવિધા કેન્દ્રમાં સેક્ટર 20 ના મતદારોને મોકલી ઓછું મતદાન થાય તેવી અસુવિધા ઊભી કરવાનો આક્ષેપ કરવાની સાથે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ગાંધીનગરના વિરાસત સમ ગ્રીન સિટીના મુદ્દે સરકારને ઘેરી કોંગ્રેસનો લડાયક મૂડ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે રવિવારે સવારથી મતદાન યોજાયુ હતું, જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા સરકારી પ્રાથમિક શાળા ખાતે પોતાનો વોટ આપવા માટે પહોંચ્યા હતા.ધારાસભ્ય સી.જે. ચાવડાએ પોતાના સમર્થકો સાથે સેક્ટર 6 ની સરકારી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરીને ભાજપ સરકારના વિકાસ કામોના વખાણ કર્યા હતા. હાલ સેક્ટર 6 સહિત શહેરના વિવિધ મતદાન કેન્દ્રો પર પરિવાર સાથે મતદારો પહોંચતા ચહલપહલ વધી રહી છે.

