જી.એમ.સીની ટીમને શાળાની કેન્ટીનમાં ગંદકી અને અન્ય ક્ષતિઓ જોવા નોટીસ ફટકારવામાં આવી
(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી શાખા દ્વારા કોબામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ અંબાપુર)માં તપાસ કરવામાં આવી હતી. શાળાની કેન્ટીનમાં તપાસ કરતાં ગંદકી અને અન્ય ક્ષતિઓ જોવા મળી હતી, જેના કારણે શાળાને નોટિસ ફટકારવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા ડીપીએસ અંબાપુરની કેન્ટીનની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬ હેઠળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને અપાતી ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. કેન્ટીનમાં ઉક્ત ધારા હેઠળની સેનિટેશન અને હાઇજીનિક જોગવાઈઓ મુજબના શિડ્યુલ-૪ની જોગવાઈઓ હેઠળ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનિટેશન તેમજ હાઇજીનિક કન્ડિશન અંગે માલૂમ પડેલી ક્ષતિઓને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. તે ઉપરાંત કેન્ટીનમાંથી “આલુ મેથી સબ્જી” તેમજ “આઇસક્રીમ”ના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ સ્કૂલ કેન્ટીનને HFSS (હાઇ ફેટ, સુગર અને સોલ્ટ) ફૂડ બાબતે ખાસ તકેદારી રાખી વિદ્યાર્થીઓને તે ન પીરસાય તેમજ કેન્ટીનમાં કે શાળા પરિસરમાં ક્યાંય આવા હાઇ ફેટ, સુગર અને સોલ્ટના બોર્ડ પ્રદર્શિત ન કરવા જોઈએ. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ભોજન આપવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬ તથા તે હેઠળના Food Safety and Standards (Safe Food and Balanced Diets for Children in Schools) Regulations, 2020 સહિત અન્ય તમામ રેગ્યુલેશન્સની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
મનપા. દ્વારા ગાંધીનગર શહેરની તમામ શાળાઓની કેન્ટીનોની પણ તપાસ કરવામાં આવશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬ની જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

