જીએસટી વિભાગની નોટીસો મામલે બ્રાસ ઉદ્યોગકરો દ્વારા બંધ પડી જામનગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
(જી.એન.એસ) તા. ૨૮
જામનગર,
જીએસટીના જટિલ કાયદાઓ અને વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ નોટિસો સામે જામનગરમાં બ્રાસ ઉદ્યોગકારોમાં રોષની લાગણી જોવા મળી છે. જીએસટીની આ નીતિઓ અને મુશ્કેલીઓના વિરોધમાં જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગોએ સજ્જડ બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન અને બંધમાં શંકરટેકરી, ઉદ્યોગનગર ફેઝ-૨, અને ફેઝ-૩ સહિતના ઔદ્યોગિક વિસ્તારોના 4500થી વધુ નાના-મોટા એકમો સંપૂર્ણપણે જોડાયા હતા, જેના કારણે શહેરના કારખાનાઓનો ઘમઘમાટ શાંત થઈ ગયો હતો.
છેલ્લા કેટલાક સમયમાં જીએસટી વિભાગ દ્વારા સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોને 3391 જેટલી નોટિસો ફટકારવામાં આવી છે અને તેની સામે રૂ. 2150 કરોડથી વધુની માતબર રકમની ટેક્સ પેટે માંગણી કરવામાં આવી છે. આટલા મોટા પાયે અકારણ નોટિસો મળતા વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવા છતાં આ ગંભીર પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતાં આખરે ફેક્ટરી માલિકોએ રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવવાની ફરજ પડી છે.
વિરોધના ભાગરૂપે શહેરના ત્રણ મુખ્ય ઉદ્યોગ સંગઠનો ફેકટરી ઓનર્સ એસોસિએશન, GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત નેજા હેઠળ કલેક્ટર કચેરી સુધી એક વિશાળ મૌન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં વેપારીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, બોનાફાઇડ (સાચા) ખરીદદારોને કાયદા હેઠળ યોગ્ય રક્ષણ આપવામાં આવે અને પ્રામાણિક કરદાતાઓને બિનજરૂરી નોટિસો આપીને હેરાન કરવાનું બંધ કરવામાં આવે. તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, માત્ર કરચોરી કરનારા તત્વો સામે જ આકરાં પગલાં લેવા જોઈએ અને જીએસટીના કાયદાને સરળ બનાવવો જોઈએ, જેથી સામાન્ય વેપારી શાંતિથી પોતાનો ધંધો કરી શકે.
આ અંગે મીડિયાને પ્રતિક્રિયા આપતા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, “અમારો બ્રાસ ઉદ્યોગ વર્ષોથી પ્રામાણિકપણે સરકારને ટેક્સ ભરે છે, પરંતુ જટિલ કાયદાની આડમાં સાચા વેપારીઓને દબાવવામાં આવી રહ્યા છે. જો અમારા આ પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં ઉદ્યોગકારો દ્વારા વધુ આક્રમક લડત આપવામાં આવશે, જેના એંધાણ આજે અમે આ મૌન રેલી અને બંધ થકી આપી દીધા છે.”

