ગુજરાતમાં રૂ. 11.42 કરોડના “ડિજિટલ અરેસ્ટ” કેસમાં સીબીઆઈ દ્વારા વધુ બે વ્યક્તિઓની ધરપકડ
(જી.એન.એસ) તા. ૨૮
ગાંધીનગર/અમદાવાદ,
‘ઓપરેશન ચક્ર VI’ હેઠળ સાયબર ક્રાઈમ સામેની પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા દેશવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે, CBIએ 10 રાજ્યોમાં 22 સ્થળોએ સંકલિત દરોડા પાડ્યા બાદ ગુજરાતમાં રૂ. 11.42 કરોડના “ડિજિટલ અરેસ્ટ” કેસમાં વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ગુજરાતમાં સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા એક ખૂબ જ ઝડપી અને ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયબર ઠગ્સ દ્વારા આચરવામાં આવેલા રૂ. 11.42 કરોડના ચકચારી ડિજિટલ અરેસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. CBIએ આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં હિમાંશું પ્રસાદ અને યુનિસ બિસ્વાસના નામ સામે આવ્યા છે. આ બંને આરોપીઓ દ્વારા ગુનાખોરી આચરીને ગેરકાયદેસર રીતે રૂ. 2.5 કરોડની જંગી રકમ મેળવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
CBIના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હિમાંશુ પ્રસાદ અને યુનિસ બિશ્વાસે કથિત રીતે “પીડિત પાસેથી છેતરપિંડીથી મેળવેલા રૂ. 11.42 કરોડમાંથી રૂ. 2.5 કરોડ પ્રાપ્ત કરવા માટે M/s હેક્સાક્વેસ્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો અને નાણાંના સ્ત્રોત કે આર્થીક વ્યવહારની કડીઓ જાહેર નઈ કરી, છુપાવવાના ઈરાદાથી તે રકમ તેમના સાથીદારોના અનેક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.”
આ કેસોમાં તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ કથિત રીતે બેંક ખાતાઓના ઉપયોગ અને APK ફાઇલો ઇન્સ્ટોલ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ની છેતરપિંડી તથા અન્ય સાયબર ગુનાઓ દ્વારા મેળવેલી રકમની ઉચાપત કરવામાં સામેલ હતા.
સાયબર ઠગ્સની આ મોડસ ઓપરેન્ડી અત્યંત આધુનિક અને ખતરનાક હતી. આરોપીઓ સામાન્ય નાગરિકોને શિકાર બનાવવા માટે મોબાઈલમાં APK ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ આચરતા હતા. ત્યારબાદ લોકોને ખોટી રીતે ડરાવીને “ડિજિટલ અરેસ્ટ” કરવામાં આવ્યા હોવાનું નાટક રચીને લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોની ભાળ મેળવવા માટે હાલ CBI દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

