ગુજરાતના રમતવીરો આગામી ૧૦ વર્ષમાં વિશ્વના નકશા પર તિરંગાની શાન વધારશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
રાજ્યમાં કુલ રૂ. ૩૮૮ કરોડથી વધુની રમત ગમત સુવિધાઓ તેમજ લાયબ્રેરી સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ બદલ ૭૯૯ ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરાયા
(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
“રમશે ગુજરાત, જીતશે ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. ૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ તથા લાઇબ્રેરી જેવા કુલ ૩૭ જેટલા માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રાજ્યના કુલ ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનોનું સ્વપ્ન સાકાર કરવા માટે જરૂરી તમામ મદદ કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે, તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોન્ચ કરવામાં આવેલી ‘શક્તિદૂત ૨.૦’ યોજના આગામી ૧૦ વર્ષમાં ગુજરાતના ખેલાડીઓને દેશ અને દુનિયામાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરવા માટે મજબૂત મંચ પૂરું પાડશે. શક્તિદૂત યોજના થકી વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૭૭૭ આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૧૭૪૦ ખેલાડીઓએ વિવિધ રમતોમાં મેડલ જીત્યા છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી ૨૫ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના ખેલાડીઓ નેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવા જતા ત્યારે તેમને પરંપરાગત ઓળખ સુધી જ સીમિત ગણવામાં આવતા હતા. પરંતુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓ શરૂ થતાં રાજ્યમાં રમતગમત ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. આજે ટીમ ગુજરાત જે ક્ષેત્રમાં પગ મૂકે છે ત્યાં ઝળહળતી સફળતા મેળવવા સક્ષમ બની છે.
‘શક્તિદૂત ૨.૦’ યોજનાની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉ માત્ર ૬૪ ખેલાડીઓને મળતો લાભ હવે સીધો ૫૦૦ ખેલાડીઓ સુધી વિસ્તૃત કરાયો છે. પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ. ૫૦ લાખ એટલે કે માસિક સરેરાશ રૂ. ૪.૨૫ લાખ સુધીની વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘શક્તિદૂત ૨.૦’ અંતર્ગત હવે દિવ્યાંગ રમતવીરો માટે ૫૦ બેઠકોનું ખાસ આરક્ષણ રાખવામાં આવ્યું છે. ખેલાડીઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાના મેડલ અને પ્રદર્શનના આધારે પોર્ટલ પર સીધી અરજી કરી શકશે.
શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં રમતવીરોની ઇંજરી રિકવરી માટે દેશનું નંબર-૧ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સુવિધા ગુજરાતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. રમતવીરોને હવે નાણાકીય કે ટ્રેનિંગ સંબંધિત કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે ખેલાડીઓએ માત્ર જુસ્સાથી મહેનત કરવાની છે, તેના સિવાયની તમામ ચિંતા હવે રાજ્ય સરકાર કરશે. દેશ કે વિદેશના કોઈપણ ખૂણે શ્રેષ્ઠ કોચિંગ કે ટેકનિકલ ટ્રેનિંગ લેવી હશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવશે. આ ઉપરાંત, આવનારી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને અત્યારથી જ આગામી ૪ વર્ષ માટે સઘન ટ્રેનિંગ મળે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેલાડીઓના વાલીઓનો આભાર માનતાં જણાવ્યું હતું કે તેમના વિશ્વાસના કારણે જ આજે ગુજરાતના બાળકો રમતગમતમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. સાથે જ, તમામ રમતવીરોને ખેલદિલીપૂર્વક હેલ્ધી કોમ્પિટિશન કરવા અને નવનિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલો તથા લાઇબ્રેરીઓની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. વર્ષ ૨૦૩૦માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ સૌથી વધુ મેડલો મેળવી દેશનું નામ રોશન કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરતાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવ ડૉ. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજ્યના સૌ રમતવીરોએ રમતને જીવનમાં ઉતારી છે. રમતગમતના ઇતિહાસમાં આજે નવો અધ્યાય લખાઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા જે બીજ વાવ્યાં હતાં તે આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. તેને નવી ઊંચાઈ આપવા માટે જ શક્તિદૂત ૨.૦નો શુભારંભ થયો છે. વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાત માટે માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ આપણી પ્રતિભા અને ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની ઐતિહાસિક તક છે.
કાર્યક્રમ દરમિયાન શક્તિદૂત ૨.૦ના ડિજિટલ એ.વી.નું લોન્ચિંગ કરાયું હતું અને શક્તિદૂત ૨.૦ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
શક્તિદૂત યોજનાની એક લાભાર્થી ખેલાડીએ કહ્યું કે, “ખેલાડીના જીવનમાં દરેક મેડલ પાછળ એક લાંબી યાત્રા હોય છે, જે તેમની પ્રતિભાની ઓળખ, કોચના માર્ગદર્શન અને યોગ્ય વ્યવસ્થાથી શરૂ થાય છે. રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ, DLSS, સેન્ટર્સ ઑફ એક્સેલન્સ અને શક્તિદૂત જેવી પહેલો ગ્રાસરૂટથી એલિટ સ્તર સુધી ખેલાડીઓને એક સુવ્યવસ્થિત માર્ગ અને જરૂરી સહાય પૂરી પાડે છે. શક્તિદૂત ૨.૦ દ્વારા સહાયને વધુ મજબૂત બનાવવાની સાથે પેરા, ડેફ, દૃષ્ટિહીન અને અન્ય દિવ્યાંગ યુવા ખેલાડીઓ માટે પણ તકો વધશે.
શક્તિદૂત યોજનાનાં અન્ય એક લાભાર્થીએ જણાવ્યું કે, “વર્ષ ૨૦૦૭માં સોફ્ટ ટેનિસથી શરૂ થયેલી રમતગમતની યાત્રામાં ‘શક્તિદૂત યોજના’, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને રાજ્ય સરકારની વિવિધ ખેલલક્ષી યોજનાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આજે ગુજરાત રમતગમત ક્ષેત્રે મેડલ સૂચિમાં ટોપ-૪ અને ટોપ-૫માં સ્થાન મેળવી રહ્યું છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના વિઝનને કારણે રાજ્યના ખેલાડીઓને નવી તક મળી રહી છે. શક્તિદૂત યોજનામાં પસંદગી બાદ મેં ૫૭ રાષ્ટ્રીય અને ૨૬ આંતરરાષ્ટ્રીય મેડલ મેળવ્યા છે.
શક્તિદૂત યોજના ૨.૦ના શુભારંભ સમારોહમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, ખેલાડીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

