શિક્ષણ મંત્રીશ્રી – રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ – વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિડિયો કોન્ફરન્સથી જોડાયા
રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનનું સંયુક્ત આયોજન
(જી.એન.એસ) તા. ૨૮
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, આ માત્ર સ્પર્ધા નહિ પરંતુ યુવાશક્તિમાં સંસ્કૃતિ પ્રત્યે આદર જગાવીને ચરિત્ર્ય નિર્માણ તથા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટેનું સક્ષમ પ્લેટફોર્મ છે.
રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રારંભ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકર પણ જોડાયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવાશક્તિની નિર્ણાયક અને મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાધનમાં જ્ઞાનની સાથે શ્રેષ્ઠ ચારિત્ર્ય, વિનય, વિવેક, સુશીલતા અને સંસ્કાર સિંચન એ આપણી જવાબદારી છે અને હવેના સમયની માંગ પણ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીના ફ્રેમવર્કમાં પણ મુલ્યનિષ્ઠ શિક્ષણની ભલામણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અભ્યાસક્રમોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બાળકો-યુવાઓમાં સંસ્કૃતિ ધબકતી રાખવા વ્યસનોથી યુવાધનને મૂક્ત રાખવાની નેમ સાથે આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ યુવાશક્તિને ખેલકુદ અને સ્વાસ્થ્ય તરફ વળવા, નશામૂક્ત ભારત બનાવવા જે આહવાન કર્યુ છે તે ઝિલી લઈને આવી વક્તૃત્વ સ્પર્ધાઓના માધ્યમથી વૈચારિક સંસ્કૃતિ અને આત્મવિશ્વાસના સિંચન માટેની પ્રેરણા આપી હતી.
ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા શું છે?
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું સંવર્ધન કરવા ઉપરાંત વક્તૃત્વ, વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યના વિકાસનો છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઓનલાઈન/ઓફલાઈન સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વક્તૃત્વ કળા, નેતૃત્વ, સાંસ્કૃતિક અને નૈતિક મુલ્યો તથા આત્મનિર્ભર ભારત જેવા વિષયો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
સ્પર્ધાના મુખ્ય 4 તબક્કાઓમાં વર્ગકક્ષામાં દરેક વર્ગમાં 3 મિનિટનો સ્ક્રિનિંગ રાઉન્ડ અને દરેક વર્ગમાથી 3 વિદ્યાર્થીઓની પસંદગી તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
કોલેજ કક્ષામાં વર્ગકક્ષાએ પસંદ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થશે, રાજ્યની સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજો અને યુનિવર્સિટીમાં આયોજન કરવામાં આવશે અને 01-01-2000 પછી જન્મેલા વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકશે.
આ ઉપરાંત દરેક ફેકલ્ટીમાંથી એક વિદ્યાર્થીની ઝોનલ કક્ષા માટે પસંદગી કરવામાં આવશે અને પ્રથમ વિજેતાને રૂ. 1100 તથા બેસ્ટ સ્પિકર ઓફ કોલેજની ટ્રોફિ તથા પ્રમાણપત્ર પણ અપાશે.
ઝોનલ કક્ષામાં કુલ 11 ઝોનમાં સ્પર્ધાનું આયોજન થશે. તેમાં સ્પર્ધકોમાંથી 20 ટકા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાના ફાઈનલ માટે પસંદગી કરાશે. પસંદ થયેલા દરેક વિદ્યાર્થીને રૂ. 11000 તથા સંસ્કૃતિક સ્પિકર ઓફ ગુજરાતની ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
રાજ્યકક્ષાનો ફાઈનલ રાઉન્ડ શિબિર સ્વરૂપે યોજાશે. પસંદગી પામેલા વિધાર્થીઓ દ્વારા નિર્ધારિત વિષયો પર વક્તવ્ય તથા ચર્ચામાં ભાગ લેવામાં આવશે. તેના પુરસ્કારોમાં પ્રથમ પુરસ્કાર રૂ. 1 લાખ, દ્વિતીય રૂ. 71 હજાર, તૃતીય રૂ. 51 હજાર ઉપરાંત બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતની ટ્રોફી અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
વક્તૃત્વના મુખ્ય વિષયોમાં નશામુક્ત ભારત અભિયાન અને સ્વચ્છ સાયબર ભારત મિશન, વિકસિત ભારત @ 2047:આત્મનિર્ભર ભારત, સંસ્કૃતિ અને સંસ્કાર: રાષ્ટ્રના અસ્તિત્વનો આધાર, કડવા ફળ છે ક્રોધના, ભારતીય નાગરિક તરીકેની ફરજો: બંધારણની કલમ 51(ક)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ GSVS-2026 માત્ર વક્તૃત્વ સ્પર્ધા નહી પરંતુ યુવાશક્તિમાં સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાનું સંવર્ધન કરતું વ્યાપક અભિયાન છે.
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ અવસરે સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ભારતની સાંસ્કૃતિક ધરોહરને મજબૂત બનાવવાનું દાયિત્વ યુવાશક્તિના શિરે છે. આ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા યુવાનોમાં પોતાના વિચારોની અભિવ્યક્તિ સાથે આત્મ વિશ્વાસનું પણ સિંચન થશે જે સર્વાંગી વિકાસ માટેનું ચાલક બળ બનશે.
શિક્ષણમંત્રીશ્રીએ NEPમાં ભારતીય જ્ઞાન પરંપરાને જોડવા માટે માતૃભાષા શિક્ષણની હિમાયત અંગે કહ્યુ કે, માતૃભાષા દ્વારા જ વિદ્યાર્થી માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલો રહે છે. માતૃભૂમિ સાથેનું આવું તાદાત્મ્ય અને જોડાણ જ વિચારોની વિશાળતાથી વસુધૈવ કુટુંબકમની વડાપ્રધાનશ્રીએ આપેલી વિભાવના ચરિતાર્થ કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના યુવાઓમાં સંસ્કાર સિંચનનો મહાકુંભ આ સ્પર્ધા બનશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક અને ભારત સરકારના પૂર્વ RTI કમિશનર શ્રી ઉદય માહુરકરે આજના આધુનિક અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના સમયમાં યુવા પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યો પુન: જાગૃત કરવાનું આ અભિયાન રાષ્ટ્ર નિર્માણનું વિરાટ કાર્ય ગણાવ્યું હતું.
ખાસ કરીને મોબાઈલ, સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરની વિકૃતિ સામે યુવાઓને સંસ્કૃતિ અને ચારિત્ર્ય નિર્માણ તરફ વાળવા આવા આયોજનોને સેવ કલ્ચર – સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન વધુ વ્યાપક સ્તરે લઈ જવા પ્રતિબદ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ સ્પર્ધાની સફળતા માટે યુવા જૈનાચાર્ય મહર્ષિ વિજયજી મહારાજ, પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજી, પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના શુભેચ્છા સંદેશાઓ પણ મળ્યા હતા.
શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણા, KCGના જોઈન્ટ સી.ઈ.ઓ. શ્રી યાદવ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સંયોજક શ્રી અભય શાહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

