સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા સાથે યુવા અધિકારીઓએ લોકભવનમાં રાજ્યપાલશ્રી સાથે કરી મુલાકાત
(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા -સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી ચંદ્રેશ કોટકના માર્ગદર્શન હેઠળ ગુજરાત કેડરના ૨૦૨૫ બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ યુવા અધિકારીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વહીવટમાં પારદર્શિતા તેમજ સંવેદનશીલતા લાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અધિકારીઓએ માત્ર ફાઈલો સુધી મર્યાદિત ન રહીને જમીની સ્તર પર જનતાની સમસ્યાઓ સમજવી જોઈએ. તેમણે આ અધિકારીઓને રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતી અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમ જેવા અભિયાનોમાં વિશેષ રુચિ દાખવી ગ્રામીણ ઉત્થાન માટે કાર્ય કરવા પ્રેરણા આપી હતી.

