૧૫૮ શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત
(જી.એન.એસ) તા. ૧૩
અમદાવાદ,
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’માં CAA અંતર્ગત ૧૨૬ અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા ૩૨ મળીને કુલ ૧૫૮ શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહમાં ૧૫૮ શરણાર્થી પરિવારોને ભારતીય નાગરિકતા આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દિવાળીને હજુ ૨૦ દિવસની વાર છે, પરંતુ ભારતની નાગરિકતા મેળવીને આજે આ ૧૫૮ પરિવારોમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન અને યાતનાઓ સહન કરીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી પરિવારોને આ ભય અને પીડામાંથી મુક્તિ અપાવીને દેશમાં નવું જીવન આપવા બદલ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર માન્યો હતો.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકતા સુધારા કાયદા (CAA) ના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, રાજકીય સ્વાર્થ માટે સીએએનો વિરોધ કરનારા લોકો આ પિડિત પરિવારોની દર્દનાક યાતનાઓને ક્યારેય સમજી શકે નહીં. તેમણે ભારતીય પાસપોર્ટનું સન્માન અને ગૌરવ રેખાંકિત કરતાં કહ્યું કે, “આપણા દેશ અને રાજ્યમાં કોઈ તકલીફમાં હોય ત્યારે મદદ કરવાની ઉદાત્ત ભાવના રહેલી છે. શરણાર્થીઓના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સીએએ લાવ્યા છે, જેનાથી આજે હજારો પરિવારો પોતાના વતનમાં ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે.”
વક્તવ્ય દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ પાકિસ્તાનથી આવેલા નિર્મલાજી, કુંવરબેન અને નંદલાલજી જેવા પરિવારોની આપવીતી યાદ કરી હતી. તેમણે ખાસ કરીને દીકરી ધારા સિંધુનો ઉલ્લેખ કર્યો હતો, જેણે શારીરિક પડકારો છતાં સ્પોર્ટ્સ (ટેબલ ટેનિસ/ફ્લોર ગેમ્સ) માં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાએ મેડલ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય નાગરિકતા મળ્યા બાદ હવે આ પરિવારોમાંથી આવનારી પેઢીઓ ડોક્ટર, એન્જિનિયર અને ખેલાડી બનીને દેશ તથા રાજ્યની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં લાવવામાં આવેલા ‘CAA’ (નાગરિકતા સુધારા કાયદા) તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સઘન પ્રયાસોથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા પીડિત ભાઈ-બહેનોને આજે નાગરિકતા અને પોતાના મૂળ હકો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને મહિલા બાળ વિભાગના ચેરમેન ડિમ્પલબેનનું પ્રેરણાદાયી ઉદાહરણ આપતાં ઉમેર્યું હતું કે આજે આ લોકો નાગરિક બનવાની સાથે સમાજમાં મોભાદાર સ્થાન મેળવી દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યા છે. તેમણે વિશ્વભરમાં ભારતીય નાગરિક હોવું એ ગૌરવ અને સન્માનની વાત ગણાવી, નાગરિકતા મેળવનાર સૌ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને અધિકારની સાથે દેશની પ્રગતિ તથા સુખાકારીમાં પોતાની ફરજ નિભાવી સહભાગી થવા આહવાન કર્યું હતું.
ધારાસભ્ય શ્રી ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ નાગરિકતા સુધારા કાયદા (CAA) થકી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી પરિવારોની વર્ષો જૂની વેદનાઓ અને મુશ્કેલીઓનો અંત આવ્યો છે.તેમણે જણાવ્યું કે ધાર્મિક અત્યાચારો સહન કરીને અહીં આવી વસેલા ૧૫૮ જેટલા ભાઈ-બહેનોને આજે સન્માનપૂર્વક નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. તેમણે આ પ્રસંગે તમામ લાભાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને બંધારણીય અધિકારોની સાથે દેશની એકતા, અખંડિતતા જાળવીને ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.
ભારતીય નાગરિકતા સમારોહ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા ત્રણ પરિવારોના મોભીઓએ શ્રી નરેન્દ્ર કુમાર, શ્રાવણ કુમાર અને શ્રીમતી શારદાદેવીએ ભારત સરકાર દ્વારા તેમને અને તેમના પરિવારને ભારતીય નાગરિકતા તથા સન્માન આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને રાજ્યના મંત્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ ક્ષણને પોતાના માટે ગૌરવપૂર્ણ તથા દિવાળી સમાન આનંદદાયક ગણાવી હતી.
ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ એન્ડ ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન સુજલ મયાત્રાએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ૨૦૧૯ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૫૦૦થી વધુ લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કેઆ માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ દેશના વિકાસમાં સહભાગી થવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, આ પ્રેરણાદાયી પહેલથી વિવિધતામાં એકતા સાથે ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને ‘સિટીઝનશિપ એક્ટ-૧૯૫૫’ની કલમ-૫ અને ૬ અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૧૨૦૦થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.
ઓડિટોરીયમ સાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી અમિત ઠાકર,કૌશિકભાઇ જૈન,બાબુભાઇ પટેલ,જીતેન્દ્રભાઇ પટેલ, જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, વિસ્થાપિત હિંદુ સહાયતા મંચ ના પ્રતિનિધિઓ,સિંધ માઇનોરીટી એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

