રમતગમતને સ્પર્ધાથી આગળ વધારી સર્વસમાવેશક વિકાસ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને આંતરરાષ્ટ્રીય સહયોગનું માધ્યમ બનાવવા કેન્દ્રીય મંત્રીનો અનુરોધ
(જી.એન.એસ) તા. ૧૨
અમદાવાદ,
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પરંપરાગત રમતો માત્ર સ્પર્ધાનું માધ્યમ નથી, પરંતુ દેશોની સાંસ્કૃતિક ઓળખ, વારસો અને પેઢી દર પેઢી સચવાયેલી પરંપરાઓને જોડતું સશક્ત માધ્યમ છે. રમતગમત દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગ, સાંસ્કૃતિક સમજણ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા તેમણે ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં રમતગમતનું માળખું વધુ સુદૃઢ બનાવવા માટે મેદાનથી લઈને વૈશ્વિક સ્તર સુધીની તકોનું નિર્માણ થઈ રહ્યું છે. તાલીમ, રમત વિજ્ઞાન, માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓના કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય અનુભવ સહિતનાં વિવિધ પાસાંને આવરી લેતા સર્વાંગી અભિગમ દ્વારા ટકાઉ રમતગમત ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ખેલો ઇન્ડિયા જેવી પહેલો દ્વારા રમતગમત અને શારીરિક તંદુરસ્તીને જનજીવનનો અભિન્ન હિસ્સો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે પરંપરાગત રમતો સ્થાનિક જીવનશૈલી, વ્યવસાય, રિવાજો અને તહેવારો સાથે જોડાયેલી હોવાથી તેમાં સમાજનું જ્ઞાન, સાંસ્કૃતિક મૂલ્યો અને ઐતિહાસિક વારસો સમાયેલો છે. મલ્લખંભ જેવી રમતો શારીરિક સંતુલન અને નિયંત્રણનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યારે કલરિપયટ્ટુ જેવી પરંપરાગત માર્શલ આર્ટ્સ ભારતની સમૃદ્ધ રમતગમત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. યોગ દ્વારા ભારતે શારીરિક કસરતની સાથે મન, શરીર અને આત્માના સંતુલનનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડ્યો છે.
તેમણે રમતગમત ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી, સમાન તકો અને સર્વસમાવેશક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, પરંપરાગત રમતોનું દસ્તાવેજીકરણ કરવા, તેમનું સાંસ્કૃતિક મહત્ત્વ જાળવવા અને નવી પેઢી સુધી આ વારસો પહોંચાડવા માટે વિવિધ દેશો વચ્ચે જ્ઞાનની આપ-લે, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને નિયમિત સંવાદને પ્રોત્સાહન આપવાની પણ તેમણે હિમાયત કરી હતી.

ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ગેમ્સના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના પ્રાચીન રમતગમત વારસા તથા યોગ અને મલ્લખંભ જેવી પરંપરાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પરંપરાગત અને સ્વદેશી રમતો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, સામાજિક એકતા અને પેઢી દર પેઢી જળવાઈ રહેલી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે.
આ પરંપરાગત અને સ્વદેશી રમતોનો મહોત્સવ માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ દેશની લોકપરંપરાઓના સંરક્ષણ અને સંવર્ધન તેમજ વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેનું મહત્ત્વપૂર્ણ મંચ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે ભારતની રમતગમત પરંપરા હજારો વર્ષ જૂની છે. ઋગ્વેદકાળના રથદોડના ઉલ્લેખોથી લઈને ભગવાન શ્રીરામના ધનુર્વિદ્યા કૌશલ્ય અને મહાભારતકાળની મલ્લયુદ્ધ પરંપરા સુધી, ભારતીય સંસ્કૃતિમાં રમતગમતને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. આ પરંપરા શિસ્ત, ગુરુ પ્રત્યે આદર, સતત અભ્યાસ, નિયમપાલન અને જવાબદારી જેવાં જીવનમૂલ્યોનું સંવર્ધન કરે છે. રમતગમતની વૈશ્વિક ભાષા ભાષા, વેશભૂષા અને સંસ્કૃતિની વિવિધતા વચ્ચે પણ લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે. ગુજરાત સરકાર પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ રમતગમત સંકુલો વિકસાવીને ગામડાં સુધી આધુનિક રમતગમતની સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણી પરંપરાગત રમતોનું જતન એટલે આપણી સાંસ્કૃતિક ઓળખનું જતન. આ વિરાસત દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવે અને રાષ્ટ્રીય એકતાને નવી ઊંચાઈએ લઈ જાય, તેવો આપણો સંકલ્પ હોવો જોઈએ.
અમદાવાદમાં વર્ષ ૨૦૨૯ની ઇન્ટરનેશનલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તેમજ વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિક્સના આયોજન માટે પણ ભારતની મજબૂત દાવેદારીનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે BRICS દેશો સમક્ષ પરંપરાગત રમતોના સંરક્ષણ અને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન માટે પાંચ પ્રસ્તાવો મૂક્યા હતા. તેમાં સંયુક્ત બહુભાષી ડિજિટલ આર્કાઇવની રચના, શાળા-કોલેજોમાં પરંપરાગત રમતોને પ્રોત્સાહન, સુરક્ષિત રમત-ફોર્મેટનો વિકાસ, સ્થાનિક કારીગરો માટે રોજગારીની તકોનું સર્જન અને આ આયોજનને કાયમી પરંપરા બનાવવાનો સમાવેશ થાય છે.
નાયબ મુખ્યમંત્રીએ વિવિધ દેશોમાંથી પધારેલા રમતવીરો અને આયોજકો તેમજ રમતગમત મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ સહભાગીઓને ગુજરાતની સંસ્કૃતિ અને મહેમાનગતિનો આનંદ માણવા શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત સરકારના રમતગમત વિભાગના સંયુક્ત સચિવ કુણાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે પરંપરાગત રમતો વિવિધ દેશોની સાંસ્કૃતિક વિરાસત, પરંપરા અને સામુદાયિક જીવનનું પ્રતિબિંબ છે. આ રમતોના માધ્યમથી વિવિધ દેશોની સંસ્કૃતિને સમજવાની, પરસ્પર અનુભવોનું આદાનપ્રદાન કરવાની અને સહકારની ભાવનાને મજબૂત બનાવવાની તક મળે છે.
આ પ્રસંગે રાજ્યના રમતગમત સચિવ ડૉ. રાહુલ ગુપ્તા, વિદેશ મંત્રાલય (MEA)ના સંયુક્ત સચિવ શંભુ હક્કી, ADG ચંચલ શેખર સહિત BRICS દેશોના પ્રતિનિધિઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

