ગાંધીનગર મનપા. ચૂંટણીમાં કૂલ ૪૪ બેઠકોમાંથી ભાજપ ને ૩૮, કોંગ્રેસને ૫ અને ૧ અપક્ષ ને મળી
(જી.એન.એસ) તા. ૧૩
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં જાહેર થઈ ગયા છે, જેમાં ભાજપે 44માંથી 38 બેઠક પર વિજય મેળવી સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસે પાંચ બેઠક જીતીને ગત ચૂંટણી કરતાં પોતાની સ્થિતિ સુધારી છે, આમ આદમી પાર્ટીના ફાળે એક પણ બેઠક આવી નથી.
જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ચૂંટણી પહેલાં ભાજપ તમામ 44 બેઠક જીતશે તેવા દાવા કરવામાં આવતા હતા, પરંતુ મતદારોએ આ દાવાને ખોટો પાડ્યો છે. બીજી તરફ, ગત ચૂંટણીમાં માત્ર બે બેઠક મેળવનાર કોંગ્રેસે આ વખતે પાંચ બેઠક મેળવીને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ મેળવવાનો માર્ગ મોકળો કર્યો છે.
ચૂંટણી પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર અને અન્ય પાયાની સુવિધાઓને લઈને નાગરિકોમાં નારાજગી જોવા મળતી હતી. આ વખતે મતદારો પરિવર્તન લાવશે અને ભાજપને નુકસાન થશે તેવી અટકળો પણ વહેતી થઈ હતી. જોકે, પરિણામોએ ભાજપની તરફેણમાં સ્પષ્ટ બહુમતી દર્શાવી છે. ભાજપે વિકાસના મુદ્દે મતદારોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોવાનું પરિણામ પરથી જણાય છે. તેમ છતાં, ગત ટર્મની 41 બેઠકની સરખામણીએ ભાજપે ત્રણ બેઠક ગુમાવી છે. કોંગ્રેસ માટે પાંચ બેઠકનો આંકડો રાજકીય રીતે મહત્ત્વનો છે, કારણ કે અગાઉ મહાનગરપાલિકામાં વિપક્ષનું નેતૃત્વ મેળવવાની સ્થિતિ નહોતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપે પોતાના શાસન દરમિયાન કરેલા સ્થાનિક વિકાસ કાર્યોને જનતા સમક્ષ રજૂ કર્યા હતા, જેને મતદારોએ આવકારીને વિકાસની રાજનીતિ પર ફરી એકવાર ભરોસો મૂક્યો છે.
મજબૂત સંગઠન અને ‘પેજ સમિતિ’નું માળખું
ભાજપનું પાયાનું સંગઠન માળખું અને ‘પેજ સમિતિ’ મોડેલ સૌથી મોટું શસ્ત્ર સાબિત થયું છે. દરેક પેજ પ્રમુખે પોતાના વિસ્તારના મતદારો સાથે જીવંત સંપર્ક જાળવી રાખ્યો હતો.
વોર્ડ-1માં મહેશ ચૌધરીનો માત્ર 78 મતથી વિજય
વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જોકે, આ વોર્ડમાં ભાજપના મહેશ ચૌધરી અને કોંગ્રેસના નંદુ પટેલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. અંતે મહેશ ચૌધરીનો માત્ર 78 મતથી વિજય થયો હતો. આ ઉપરાંત વર્તમાન નગરસેવક અંજનાબેન મહેતાએ પણ જીત મેળવી છે. વોર્ડ-1નું પરિણામ દર્શાવે છે કે ભાજપની પેનલ વિજયી બની હોવા છતાં કેટલીક બેઠક પર કોંગ્રેસે જોરદાર ટક્કર આપી હતી.
વોર્ડ-2માં ટાઉન પ્લાનિંગ ચેરમેન દીપ્તિ પટેલનો પરાજય, અપક્ષ દીપિકાબેન વાઘેલા વિજયી
પેથાપુરના વોર્ડ નંબર-2માં ચૂંટણી પહેલાંથી જ રસાકસીની સ્થિતિ હતી. ભાજપે વર્તમાન નગરસેવક અને શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે તેમની સામે ગાંધીનગર જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ ચૂંટણી લડી હતી. ટાઉન પ્લાનિંગ ચેરમેન દીપ્તિબેન પટેલને પણ ભાજપે ફરી તક આપી હતી.
ક્ષત્રિય મહિલા ઉમેદવારને ટિકિટ ન મળતાં પેથાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ વાઘેલાએ તેમની પત્ની દીપિકાબેન વાઘેલાને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યાં હતાં. પરિણામમાં દીપ્તિ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે અપક્ષ ઉમેદવાર દીપિકાબેન વાઘેલાએ જીત મેળવી હતી. આ પરિણામ ભાજપ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવે છે.
વોર્ડ-3માં આંતરિક નારાજગી છતાં ભાજપની આખી પેનલ જીતી
વોર્ડ નંબર-3માં ભાજપના ઉમેદવારો અંકિત બારોટ અને સોનાલી પટેલ સહિતની પેનલ સામે શરૂઆતથી જ મતદારોમાં નારાજગીની ચર્ચા હતી. તેમ છતાં ભાજપના ઉમેદવારોએ જીત મેળવીને આ વોર્ડમાં પક્ષનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. આંતરિક અસંતોષની અટકળો વચ્ચે પણ ભાજપની પેનલનો વિજય થયો છે.
વોર્ડ-4માં કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું
વોર્ડ નંબર-4માં ભાજપે પૂર્વ નગરસેવક જશપાલસિંહ બિહોલા, પૂર્વ નગરસેવક ગજેન્દ્રસિંહ વાઘેલાનાં પત્ની મિત્તલબા સહિત બે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારના પુત્ર યુનુસ પરમાર સહિત ઠાકોર સમાજના ત્રણ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ વોર્ડમાં સૌથી વધુ મતદાન નોંધાતાં કોંગ્રેસની પેનલ વિજયી બનશે તેવી અટકળો હતી. જોકે, મતગણતરીના અંતિમ તબક્કામાં કોંગ્રેસના ઉમેદવારોને અપેક્ષા કરતાં ઓછા મત મળતાં પેનલને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે આ વોર્ડમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
વોર્ડ-5માં સવર્ણ મતદારોના સમર્થનથી ભાજપની પેનલનો વિજય
વોર્ડ નંબર-5માં ભાજપે બે વર્તમાન નગરસેવકોને પુનઃ ટિકિટ આપી હતી. આ ઉપરાંત પૂર્વ મહામંત્રી કનુ દેસાઈ અને પૂર્વ વોર્ડ પ્રમુખ ધવલ શાહનાં પત્નીને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં. ઉમેદવારોનાં નામ જાહેર થયા બાદ ભાજપની પેનલ તૂટશે તેવી ચર્ચા હતી, પરંતુ પરિણામમાં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી બન્યા હતા. મર્યાદિત મતદારો ધરાવતા આ વોર્ડમાં ભાજપને સવર્ણ મતદારોના સમર્થનનો લાભ મળ્યો હોવાનું રાજકીય વિશ્લેષણ થઈ રહ્યું છે.
વોર્ડ-6માં કોંગ્રેસે ગઢ જાળવ્યો, ભાજપને નિષ્ફળતા
વોર્ડ નંબર-6 પરંપરાગત રીતે કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે. આ વખતે કોંગ્રેસે યુવા ઉમેદવાર મેઘના રબારી સહિત ચાર નવા ચહેરાઓને તક આપી હતી. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વિરેન્દ્રસિંહ વાઘેલાના પુત્ર કર્મજીતસિંહ વાઘેલા પણ ચૂંટણી મેદાનમાં હતા. બીજી તરફ, ભાજપે પૂર્વ કોર્પોરેટર ભાવનાબા ગોલના પુત્ર રાજદીપસિંહ ગોલને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે આ વોર્ડ કબજે કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી નહોતી. પરિણામે વોર્ડ-6માં કોંગ્રેસે પોતાની પકડ જાળવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીમાં આ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના તુષાર પરીખ વિજયી થયા હતા, જ્યારે બાકીની ત્રણ બેઠક ભાજપે મેળવી હતી.
વોર્ડ-7માં ભાવિક સુતરીયાની હાર, નગીન નાડિયાનો વિજય
વાવોલ અને કોલવડા વિસ્તાર ધરાવતા વોર્ડ નંબર-7માં શરૂઆતથી જ રસાકસી જોવા મળી હતી. ભાજપે સોનલબા વાઘેલા, શૈલેષ પટેલ અને કિંજલ ઠાકોર સહિત ત્રણ ઉમેદવારોને પુનઃ ટિકિટ આપી હતી. આ ઉપરાંત ગત ટર્મમાં વોર્ડ નંબર-5ના કોર્પોરેટર રહેલાં કૈલાશબેન સુતરિયાના પુત્ર ભાવિક સુતરીયાને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરિણામમાં ભાજપના ભાવિક સુતરીયાને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વાવોલ ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના ઉમેદવાર નગીન નાડિયાએ જીત મેળવી હતી. આ બેઠક પર કોંગ્રેસની જીત ભાજપ માટે મહત્ત્વપૂર્ણ નુકસાન છે.
વોર્ડ-8થી 11 સુધી ભાજપની એકતરફી જીત
વોર્ડ નંબર-8, 9, 10 અને 11માં ભાજપના ઉમેદવારો સામે આંતરિક નારાજગી અને સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી પહેલાં ચર્ચાઓ હતી. તેમ છતાં ચારેય વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હતો. વોર્ડ નંબર-9માં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને કોર્પોરેટર મહેન્દ્ર દાસ વિજયી બન્યા હતા. તેમની સામે ચૂંટણી લડી રહેલા ધ્રુવ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. ધ્રુવ પટેલ બોલિવૂડમાં અભિનય કરી ચૂક્યા છે અને ગાંધીનગરની સમસ્યાઓને માઇક મેન તરીકે લોકો સમક્ષ રજૂ કરવા માટે પણ જાણીતા છે. તેમની હાર આ ચૂંટણીનાં નોંધપાત્ર પરિણામોમાં સામેલ છે.
વોર્ડ નંબર-10માં ભાજપે ધર્મેન્દ્ર નાઈને ઉમેદવાર બનાવતાં શરૂઆતમાં ચર્ચા અને નારાજગી જોવા મળી હતી. ભાજપના નેતાઓના વાળ કાપવાના વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેન્દ્ર નાઈને ટિકિટ મળવી પણ રાજકીય ચર્ચાનો વિષય બની હતી. જોકે, પરિણામમાં ભાજપની પેનલ વિજયી બની હતી. આ વોર્ડમાં પૂર્વ ધારાસભ્યનાં પુત્રવધૂ તન્વી પટેલે પણ જીત મેળવી હતી.
વોર્ડ નંબર-11માં ભાજપના વર્તમાન શહેર મહામંત્રી અને પૂર્વ કારોબારી ચેરમેન જશુ પટેલ તથા પૂર્વ દંડક સેજલ પરમાર સહિત ભાજપના ચારેય ઉમેદવારો વિજયી બન્યા હતા.
વોર્ડ-11ના પરિણામ સામે કોંગ્રેસનો વિરોધ
વોર્ડ નંબર-11નું પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસની રજૂઆત હતી કે અનામત બેઠકના ઉમેદવારને મળેલા મત સૌથી વધુ હોય તો નિયમો મુજબ તેમની સામાન્ય બેઠકના ઉમેદવાર તરીકે ગણતરી થવી જોઈએ અને ત્યારબાદના ઉમેદવારને વિજેતા જાહેર કરવા જોઈએ. આ મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ વિરોધ લાંબો ચાલ્યો નહોતો. ચૂંટણી અધિકારીઓએ ભાજપના ચારેય ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા.
2021ની મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. તે વખતે પક્ષના ઉમેદવારોએ અનેક વોર્ડમાં બીજા ક્રમે સ્થાન મેળવ્યું હતું અને તુષાર પરીખે જીત મેળવી હતી. આપના પ્રદર્શનને કારણે કોંગ્રેસ અનેક બેઠક પર ત્રીજા ક્રમે ધકેલાઈ હતી. જોકે, 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું હતું. પક્ષના ઉમેદવારો અપેક્ષિત મત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા અને અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. આ પરિણામથી ગાંધીનગરમાં આપનું રાજકીય વર્ચસ્વ ઘટ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
અગાઉ માત્ર બે બેઠક મેળવનાર કોંગ્રેસે આ વખતે પાંચ બેઠક મેળવીને પોતાની સંખ્યા વધારી છે.
કોંગ્રેસ માટે આ પરિણામનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં પક્ષને વિપક્ષના નેતાનું પદ મળી શકશે. ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓના મુદ્દે ભાજપ સામે નારાજગી વ્યક્ત થતી હતી, પરંતુ મતદારોએ એકંદરે ભાજપને બહુમતી આપી છે. આમ, ભાજપે સત્તા જાળવી રાખી હોવા છતાં ટાઉન પ્લાનિંગ ચેરમેન સહિતના કેટલાક દિગ્ગજોની હાર, કોંગ્રેસની બેઠકમાં વધારો અને અપક્ષ ઉમેદવારની જીતે ગાંધીનગરના રાજકારણમાં નવા સમીકરણો ઊભાં કર્યાં છે.

