26 એપ્રિલે યોજાશે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી
(જી.એન.એસ) તા. ૧
ગાંધીનગર,
ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત-
મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
જિલ્લા પંચાયત: 34
તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)
નગર પાલિકા: 84
મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700
આચાર સંહિતા: આજથી અમલી
ચૂંટણી કાર્યક્રમ પર એક નજર-
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
કેટલી બેઠકો પર ચૂંટણી?
15 મહાનગરપાલિકા: 1044 બેઠકો
84 નગરપાલિકા: 2632 બેઠકો
260 તાલુકા પંચાયત: 5271 બેઠકો
34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો
કુલ બેઠકો: 10,039 બેઠકો
નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી-
ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકાને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
OBC અનામતનું નવું સમીકરણ-
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.
વહીવટદારોના શાસનનો આવશે અંત-
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.
આચારસંહિતાના કડક નિયમો-
- ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુક્ત અને ન્યાયી વાતાવરણ જળવાય તે માટે આયોગે કેટલાક પ્રતિબંધો લાદ્યા છે:
- ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કે કર્મચારીઓની બદલી કે રજા પર પ્રતિબંધ રહેશે.
- મતદારોને પ્રભાવિત કરે તેવી નવી સરકારી યોજનાઓ કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત કરી શકાશે નહીં.
- સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં.
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની અંતિમ તારીખ 30 એપ્રિલ, 2026 નક્કી કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીઓના કોન્ટેક્ટ નંબર-
- ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દેખરેખ અને સહાય માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો અને અધિકારીઓ નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકે છે:
- કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર્સ:
- 079 23252072
- 079 23252073
- 079 23258706
- ઇ-મેઇલ એડ્રેસ: sec-sec@gujarat.gov.in
- રાજ્ય ચૂંટણી કમિશનર – 079 23252888, 23252327
- સચિવ – 079 23252326, 23252149
- સંયુક્ત કમિશનર 079 23252146
- સંયુક્ત ચૂંટણી કમિશનર – 079 23252147
- નાયબ ચૂંટણી કમિશનર – 079 23252148
- નાયબ સચિવ – 079 23252141

