સુરત પોલીસ અને હેલ્થ વિભાગે 900 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરી
(જી.એન.એસ) તા. ૨૩
સુરત,
આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે, સુરત પોલીસ અને હેલ્થ વિભાગની સંયુક્ત ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે કામકાજ કરતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરીમાં વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સનું મિશ્રણ કરીને અસલ જેવું દેખાતું નકલી ગાયનું ઘી તૈયાર કરવામાં આવતું હતું.
પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 900 કિલો જેટલું પેક્ડ નકલી ઘી તેમજ અન્ય સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ નકલી ઘીને બજારમાં જાણીતી બ્રાન્ડ જેવું પેકિંગ આપીને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા હતા.
આ મામલે પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ કારખાનું છેલ્લા 1 મહિનાથી કોઈપણ કાયદેસર મંજૂરી કે લાયસન્સ વગર ધમધમી રહ્યું હતું. તહેવારોની મોસમનો લાભ ઉઠાવીને આ ભેળસેળિયું અને ઝેરી ઘી બજારમાં માત્ર રૂ. 300 પ્રતિ કિલોના અત્યંત સસ્તા ભાવે વેચી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતાં હતાં. સામાન્ય રીતે શુદ્ધ ઘીના ભાવ ઘણા ઊંચા હોય છે, ત્યારે સસ્તા ભાવની લાલચ આપીને ભેળસેળયુક્ત જથ્થો આપવામાં આવતો હતો.

