(જી.એન.એસ) તા. ૨૩
વડોદરા,
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના વિવાદિત પ્લોટ ફાળવણીના મામલે આખરે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠક દરમિયાન આ વિવાદાસ્પદ પ્લોટ ફાળવણીની દરખાસ્તને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્લોટ ફાળવણી મુદ્દે અગાઉથી જ વિવિધ વિવાદો ચાલી રહ્યા હતા, પરંતુ કમિટીની બેઠકમાં ચર્ચા બાદ આખરે મંજૂરી આપવામાં આવી છે.
વીએમસી દ્વારા એક તરફ જ્યાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્લોટ ફાળવણી મંજૂર કરવામાં આવી છે, તેના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યો અને આગેવાનો દ્વારા મનપા પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા હાથમાં ‘1 વોટની કિંમત 15 કરોડ’ લખેલા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મનપા ભવનમાં રાજકીય ગરમાવો અચાનક વધી ગયો હતો.
યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના આ સમગ્ર પ્રકરણને લઈને વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરી રહ્યો છે. લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે આ મંજૂરી અપાતા આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય રંગ પકડે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

