ટ્રેન નંબર ૦૯૦૭૧/૦૯૦૭૨ ઉધના–જયનગર–ઉધના સાપ્તાહિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવાશે
(જી.એન.એસ) તા. ૧૨
સુરત,
અલગ રાજ્યોમાં કામ કાજ કરતા લોકો માટે ભારતીય રેલવે દ્વારા સેંકડો સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોના માધ્યમથી મુસાફરોને વધુ સારી, સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપવાનો રેલવેનો પ્રયાસ છે. જેથી તેઓ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારોમાં સરળતાથી પોતાના વતન પહોંચી શકે. ભારતીય રેલવે દ્વારા બિહારના મધુબની જિલ્લાના જયનગર અને ગુજરાતના સુરત જિલ્લાના ઉધના વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનોનો લાભ લઈને ગુજરાતમાં રહેતા મુસાફરો તહેવારો દરમિયાન પોતાના વતન સુધીની મુસાફરી વધુ સરળતાથી કરી શકશે.
પૂજા ફેસ્ટિવલ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉધના અને જયનગર વચ્ચે સ્પેશિયલ ભાડા પર બે સાપ્તાહિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોના સંચાલનથી તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરોને રાહત મળવાની આશા છે.
આ ટ્રેન 18 અને 25 ઓક્ટોબર 2026ના રોજ રવિવારે ઉધના સ્ટેશનથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે અને મંગળવારે સવારે 11:30 વાગ્યે જયનગર પહોંચશે. પરત મુસાફરી માટે ટ્રેન 20 અને 27 ઓક્ટોબર 2026ના રોજ મંગળવારે જયનગરથી બપોરે 1:30 વાગ્યે ઉપડશે અને ગુરુવારે સવારે 8:30 વાગ્યે ઉધના પહોંચશે.
આ ઉપરાંત, ટ્રેન નંબર 09073 ઉધના-જયનગર સ્પેશિયલ 18 અને 25 ઓક્ટોબરે સવારે 9:50 વાગ્યે ઉધનાથી ઉપડી મંગળવારે સવારે 5:30 વાગ્યે જયનગર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09074 જયનગર-ઉધના સ્પેશિયલ 20 અને 27 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે ઉપડી ગુરુવારે સવારે 7:30 વાગ્યે ઉધના પહોંચશે.
આ ટ્રેનો સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, ઉજ્જૈન, ઝાંસી, ગોવિંદપુરી, સુબેદારગંજ, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, દાનાપુર, મુઝફ્ફરપુર, દરભંગા, મધુબની સહિતનાં મુખ્ય સ્ટેશનો પર રોકાશે. મુસાફરોએ મુસાફરી પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત રેલવે કચેરીમાંથી સમયપત્રક, ભાડું અને ટિકિટ સંબંધિત વિગતોની તપાસ કરી લેવાની રહેશે.

