પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા હોબાળાના મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવાઈ
(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
રવિવારે તારીખ ૧૧/૧૦/૨૦૨૬ના રોજ, પાટનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા હોબાળાના મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ ઉપરાંત સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ જીગ્નેશ મેવાણી સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બંને ફરિયાદોમાં પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાના આક્ષેપો છે. જોકે, ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલાં બનેલી પેથાપુરની ઘટનામાં મતદાન પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો પણ ઊભા થયા છે.
પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈની ફરિયાદ મુજબ, ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અને આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવા પોલીસ કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરતા ભાવેશ અરવિંદભાઈ ભાવસારે અરજી આપી હતી. અરજીમાં વોર્ડ નંબર-4ના સંજરી પાર્ક વિસ્તારમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ પરમારના કેટલાક સમર્થકોએ ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ અરજીના અનુસંધાને પોલીસે યુનુસભાઈ પરમારને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ફરિયાદ અનુસાર, 9 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે યુનુસભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે બપોરે આશરે ત્રણ વાગ્યે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ ઘટના બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈની ફરિયાદ મુજબ, જીગ્નેશ મેવાણી અને તેમની સાથે આવેલા લોકોએ રાઇટર રૂમમાં પ્રવેશ કરી બૂમાબૂમ કરી હતી. યુનુસભાઈ પરમારને પોલીસ સ્ટેશનમાં શા માટે બોલાવવામાં આવ્યા છે તેવો સવાલ કરી તેમને બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. પોલીસ દ્વારા પૂછપરછ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવા જણાવાયું હોવા છતાં હોબાળો ચાલુ રાખવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં પોલીસ સ્ટેશનની બહાર બેસીને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા ઉપરાંત ઠાકોર સમાજને ઉશ્કેરવાનો અને પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીએ ઘટનાના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યા હતા અને તેનાથી બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ પોલીસ તરફથી કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સૌથી મહત્ત્વનો સવાલ ફરિયાદ નોંધાવવાના સમયને લઈને ઊભો થયો છે. પેથાપુરમાં 9 ઓક્ટોબરે બનેલી ઘટનાને લઈને મતદાન પહેલાં જ ફરિયાદ નોંધાઈ નહોતી, પરંતુ મતદાન પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાવાતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બીજી તરફ, મૂળ અરજી મળ્યાના થોડા જ સમયમાં કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ પરમારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાના ઘટનાક્રમને લઈને પણ ચર્ચા થઈ રહી છે.
ચૂંટણી પહેલાં જ ફરિયાદ નોંધાઈ હોત તો તેની રાજકીય અસર પડી શકી હોત કે કેમ અને મતદાન બાદ ફરિયાદ નોંધાવવાનું કારણ શું હતું, તે મુદ્દે સ્પષ્ટતા થવી જરૂરી છે. જોકે, ફરિયાદમાં વિલંબ પાછળ રાજકીય કારણો જવાબદાર હોવાનો કોઈ નિષ્કર્ષ હાલ કાઢી શકાય તેમ નથી. આ મુદ્દે પોલીસનું સત્તાવાર સ્પષ્ટીકરણ અને તપાસના તારણો મહત્ત્વનાં રહેશે.
ગાંધીનગર ખાતે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ
ડીવાયએસપી આઈ.આર. દેસાઈના જણાવ્યા મુજબ, જીગ્નેશ મેવાણી સામે પેથાપુર ઉપરાંત સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. સેક્ટર-7ના કેસમાં પણ પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો આક્ષેપ છે. બંને કેસમાં ફરિયાદની તપાસ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
પેથાપુરના કેસમાં જીગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી, મુલચંદભાઈ સહિત અન્ય લોકો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ કાર્યવાહી માટે ફરિયાદ કરવામાં આવી છે.
સાથેજ આ મામલે ડીવાયએસપી આઈ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ફરિયાદની તપાસ ચાલી રહી છે અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવશે. હવે તપાસમાં બંને ફરિયાદોની હકીકતો, ઘટનાક્રમ અને ફરિયાદ નોંધાવવાના સમય અંગે શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.

