(જી.એન.એસ) તા. ૧૨
ભરૂચ,
ભરૂચની એસઓજી પોલસ દ્વારા નશાના કાળા કારોબર પર કડક પગલા ભરવામાં આવ્યા છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલક પાસેથી 96 ગ્રામ અફીણ ઝડપાયું હતું.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન અંદાજે ₹48 હજારની કિંમતનું અફીણ મળી આવતાં સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતે લાંબા સમયથી અફીણનો બંધાણી હોવાનું અને પોતાના ઉપયોગ માટે અફીણ લાવ્યો હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોહમદી કોમ્પ્લેક્ષમાં રજવાડી ચાની ફ્રેન્ચાઈઝી ચાલે છે. આ દુકાનના સંચાલક નરેશ તાજેત પાટીદાર, જે મૂળ રાજસ્થાનનો વતની હોવાનું જાણવા મળ્યું છે, તેની પાસે અફીણ હોવાની બાતમી ભરૂચ SOGની ટીમને મળી હતી.
SOGની ટીમને મળેલ બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા ચાની દુકાનના ઉપરના ભાગે આવેલા રૂમમાં સંચાલક રહેતો હતો. ટીમે ત્યાં તપાસ કરતાં તેની પાસેથી 96 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ અફીણની કિંમત અંદાજે ₹48 હજાર આંકવામાં આવી છે. ત્યારબાદ પોલીસે અફીણ જપ્ત કરી સંચાલકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા નરેશ તાજેત પાટીદારની પૂછપરછ દરમિયાન તેણે પોતે લાંબા સમયથી અફીણનું સેવન કરતો હોવાનું જણાવ્યું હતું. તેણે અફીણ પોતાના ઉપયોગ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તે અફીણ ક્યાંથી લાવ્યો હતો અને કોની પાસેથી મેળવ્યું હતું તે અંગેની તપાસ હજુ ચાલુ છે.
આ કાર્યવાહી વચ્ચે ભરૂચમાં રજવાડી ચાની દુકાનમાં અફીણવાળી ચા પીરસવામાં આવતી હોવાની અફવા પણ ફેલાઈ હતી. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ SOGની કાર્યવાહી દુકાનના સંચાલકના રૂમમાંથી અફીણ મળી આવવા અંગે હતી. અફીણવાળી ચા વેચાતી હોવાના દાવાને સમર્થન આપતી કોઈ વિગતો સામે આવી નથી.
અફીણ ભેળવેલી ચાને સામાન્ય રીતે ‘પોપી ટી’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ચામાં અફીણ ભેળવવામાં આવતું હોવાનો દાવો અને સંચાલક પાસેથી અફીણ મળી આવવાની હકીકત બંને અલગ બાબતો છે.
હાલમાં SOG દ્વારા અફીણના સ્ત્રોત અને આરોપી સુધી તે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વધુ વિગતો સ્પષ્ટ થશે.
અફીણ ભેળવેલી ચાને સામાન્ય રીતે ‘પોપી ટી’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ચામાં અફીણ ભેળવવામાં આવતું હોવાનો દાવો અને સંચાલક પાસેથી અફીણ મળી આવવાની હકીકત બંને અલગ બાબતો છે. હાલમાં SOG દ્વારા અફીણના સ્ત્રોત અને આરોપી સુધી તે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વધુ વિગતો સ્પષ્ટ થશે.

