અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોલા ખાતે ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’નું આયોજન
(જી.એન.એસ) તા. ૧૨
અમદાવાદ,
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આજે (૧૩ ઓક્ટોબર) ના રોજ સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’ યોજાશે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’માં CAA અંતર્ગત ૧૨૬ અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા ૩૨ મળીને કુલ ૧૫૮ શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે.
આ પ્રસંગે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, શહેરના મેયરશ્રી તથા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને ‘સિટીઝનશિપ એક્ટ-૧૯૫૫’ની કલમ-૫ અને ૬ અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૧૨૦૦થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.

