(જી.એન.એસ) તા. ૧૨
અમદાવાદ,
નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે ગરબા રમવા આવતા ખેલૈયાઓને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના 15 ગરબા સ્થળોએ કુલ 148 ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની ખાતરી કરવા વિભાગની વિશેષ ટીમોએ રાત્રિ દરમિયાન ચેકિંગ કર્યું હતું.
નવરાત્રી દરમિયાન ગરબા સ્થળોએ ખાણીપીણીના સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકો નાસ્તો અને અન્ય ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને AMCના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા વિવિધ ગરબા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 અને તેના હેઠળના નિયમો અંતર્ગત ફૂડ સ્ટોલની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 ગરબા સ્થળોના 81 ફૂડ સ્ટોલ ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 18 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળ પર 24 ખાદ્ય પદાર્થોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અહીં 62 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું. પૂર્વ ઝોનમાં 5 ગરબા સ્થળોના 59 ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. અહીં 19 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને 10 ખાદ્ય પદાર્થોના સ્થળ પર ટેસ્ટ કરાયા હતા. આ ઝોનમાં 37 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું. પશ્ચિમ ઝોનમાં એક ગરબા સ્થળના 8 ફૂડ સ્ટોલ ચેક કરાયા હતા. અહીં 4 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને એક ખાદ્ય પદાર્થનો સ્થળ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના તમામ 8 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું.
AMCના હેલ્થ ફૂડ વિભાગની તપાસ દરમિયાન 41 ફૂડ સ્ટોલનું સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફૂડ સ્ટોલ સંચાલકો જરૂરી રજિસ્ટ્રેશન સાથે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરે તે માટે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફૂડ સ્ટોલ પરથી ખાદ્ય પદાર્થોના કુલ 41 નમૂના લેવામાં આવ્યા હતા. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાની ચકાસણી કરવાના હેતુથી આ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સ્થળ પર જ 35 ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મનપા.ની તપાસ દરમિયાન સ્થળ પર TPC મશીનની મદદથી કુલ 35 ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, આ ટેસ્ટમાં તપાસવામાં આવેલા ખાદ્ય પદાર્થો નિર્ધારિત માપદંડ મુજબના જણાયા હતા. આ ઉપરાંત, જરૂરી રજિસ્ટ્રેશન વિના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા 41 સ્ટોલધારકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન અપાવીને ધંધો ચાલુ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

