(GNS) Dt. 3
અમદાવાદ,

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનો પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે પ્રારંભ થયો હતો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આજે કર્ણાવતી મહાનગર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચી હતી જ્યાં યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી જગન્નાથ મંદિર ખાતે શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી યુક્ત કળશનું પૂજન કર્યું હતું તેમજ શ્રી ગુરૂ રવિદાસ મહારાજના ચરણોમાં વંદન કર્યા હતાં. તેઓ શ્રી રવિદાસજી મહારાજની સામૂહિક આરતીમાં સમ્મિલિત થયા હતાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી પ્રદ્યુમનભાઈ વાઝા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રીમતી મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રીશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ગૌતમભાઈ ગેડીયા, મેયરશ્રી હિતેશભાઈ બારોટ, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અભિયાનની પ્રદેશની ટીમ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી કળશ યાત્રાને વધાવી હતી. શ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સહિત સંતો- મહંતો તથા મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આયોજિત સામૂહિક આરતીમાં સૌ સહભાગી થયા હતાં.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અવસરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વિશ્વનેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાએ દેશના સંતો, મહાપુરુષો અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને રાષ્ટ્રીય ઓળખ અપાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના 650માં પ્રાગટ્ય વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલું ‘સમરસતા સંકલ્પ અભિયાન’ તેમના સમાનતા, સામાજિક ન્યાય અને માનવતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે ગુરુ રવિદાસ મહારાજે જાતિભેદ, ઊંચ-નીચ અને સામાજિક કુરિવાજો સામે સમગ્ર જીવન સંઘર્ષ કર્યો હતો અને ‘બેગમપુરા’ જેવી સમરસ, ભેદભાવમુક્ત અને ન્યાયપૂર્ણ સમાજવ્યવસ્થાનું સ્વપ્ન રજૂ કર્યું હતું. ગુજરાત સાથે ગુરુ રવિદાસ મહારાજનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે અને તેમની પ્રેરણા આજે પણ સમાજને એકતા, ભાઈચારા અને માનવતાના માર્ગે આગળ વધવા પ્રેરિત કરે છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્ર દ્વારા ગુરુ રવિદાસ મહારાજના સમાનતા અને સર્વકલ્યાણના વિચારોને વાસ્તવિક સ્વરૂપ મળ્યું છે. છેલ્લા 12 વર્ષમાં ગરીબ, વંચિત, શોષિત અને પછાત વર્ગના સર્વાંગી વિકાસ માટે અમલમાં આવેલી જનકલ્યાણકારી યોજનાઓના પરિણામે 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગુરુ રવિદાસજી સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોના વિકાસ, આદમપુર એરપોર્ટને ‘શ્રી ગુરુ રવિદાસ એરપોર્ટ’ નામકરણ, ‘સંત રવિદાસ એક્સપ્રેસ’ સહિત અનેક ઐતિહાસિક નિર્ણયો દ્વારા તેમના વિચારોને સન્માન અપાયું છે. તેમણે આહ્વાન કર્યું કે સંત ગુરુ રવિદાસ મહારાજના સમરસતા, સામાજિક ન્યાય, પ્રેમ અને માનવતાના આદર્શોને જીવનમાં આત્મસાત કરીને પ્રધાનમંત્રીશ્રીના ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિકે રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદાર બનવું જોઈએ.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, શ્રી ગુરૂ રવિદાસ મહારાજની 650 મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન સંદેશ સાથે ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે શરૂ થયેલી કળશ યાત્રા પ્રારંભ થયો હતો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આજે કર્ણાવતી મહાનગર ખાતે આવી પહોંચી છે. ઠેર-ઠેર પુષ્પવર્ષા, કળશ પૂજન અને જયઘોષ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટમાં યાત્રા જ્યાં જ્યાં પહોંચી ત્યાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકાત્મતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. આ કળશ યાત્રા દ્વારા સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના સામાજિક સમરસતા, માનવતા, સર્વસમાવેશી વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, યાત્રાના બીજા તબ્બકામાં રાજ્યના દરેક જિલ્લા-મહાનગર તથા ગુજરાતના 16 હજાર ગામમાં ભવ્ય કળશ યાત્રા યોજાશે અને સમાજના દરેક વર્ગ સુધી શ્રી રવિદાસ મહારાજના સામાજિક એકતા અને ભાઈચારાના સંદેશને પહોંચાડવાનો પ્રયાસ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650 માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપા દ્વારા ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસ 29 જુલાઈથી 20 ફેબ્રુઆરી સુધી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આગામી 6 મહિનામાં સંગઠન દ્વારા તબક્કાવાર રીતે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રા અંતર્ગત 29 જુલાઈએ ગુજરાત ભાજપાની અભિયાનની પ્રદેશ ટીમ ઉત્તર પ્રદેશથી શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી સાથેનો કળશ લઈને ગુજરાત માટે રવાના થઈ હતી.
પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આજે કર્ણાવતી મહાનગર ખાતે આવી પહોંચી હતી. કળશયાત્રા ઇન્દિરા બ્રિજ- એરપોર્ટ સર્કલ- કેમ્પ હનુમાન મંદિર- ડફનાળા સર્કલ- ઘેવર સર્કલ- વિઠ્ઠલનગર ચાર રસ્તા- ગિરધરનગર બસસ્ટોપ- દરિયાપુર દરવાજા- બરફીવાલા ભવન- કામા મોટર્સ- ભદ્રકાળી ચોક- સિદ્ધાર્થ ચોક ચાર રસ્તા- ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ- જમાલપુર વોર્ડ ભાજપા કાર્યાલય થઈ શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ પંહોચી હતી. કળશ યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં સહભાગી બની તેને સફળ બનાવી હતી.
સમરસતા સંકલ્પ અભિયાન દરમિયાન ગુરુ રવિદાસજીના જીવનકાળ, મુઘલકાળ દરમિયાન સનાતન ધર્મ અને સામાજિક સમરસતા માટે તેમણે કરેલા સંઘર્ષ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, છાત્ર સંવાદ, સંતો સાથેના સંવાદ તથા વિવિધ ગોષ્ઠીઓનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનના સફળ સંચાલન માટે પ્રદેશ અને જિલ્લા સ્તરે સંગઠન દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સંમેલનો, ગોષ્ઠીઓ, કળશ યાત્રાના સ્વાગત કાર્યક્રમો, કળશ પૂજન અને ગામેગામ વિવિધ આયોજનો કરવામાં આવશે.
જ્યાં કળશ પહોંચશે ત્યાં તુલસી ક્યારા, નિર્માણાધીન મંદિરો અથવા ધાર્મિક સ્થળોએ પવિત્ર માટી અર્પણ કરી સાંસ્કૃતિક એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડાશે.

