વિજેતા સતીશ પટેલે સ્વર્ગસ્થ યોગેશ પટેલના અધૂરા કાર્યો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
(જી.એન.એસ) તા. 3
વડોદરા,
વડોદરાની પ્રતિષ્ઠિત ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે શાનદાર વિજય મેળવ્યો છે. તેમણે 30,499 મતની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને હરાવી આ બેઠક પર ભાજપનો દબદબો યથાવત રાખ્યો છે. આ જીત બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, જ્યાં ઢોલ-નગારા સાથે વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
મતગણતરી ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી. નિયમ મુજબ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. પોસ્ટલ બેલેટમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલને 160 મત, કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 92 મત અને NOTAને 8 મત મળ્યા હતા અને ત્યારબાદ EVMની તમામ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, માંજલપુર પેટાચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે તેમને હરાવવા માટે સરકારી મશીનરીનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ભીખા રબારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ચૂંટણીમાં “આચારસંહિતાનો સરેઆમ ભંગ” થયો હતો અને “સામ, દામ, દંડ, ભેદ” ની નીતિ અપનાવીને તેમને હરાવવાનો પ્રયાસ કરાયો હતો. તેમના મતે, મંત્રીઓ સહિત આખી સરકારી મશીનરી તેમની વિરુદ્ધ કામે લગાડવામાં આવી હતી. તેમણે મતદાનના દિવસે ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી મતદારોને ડરાવવાના અને તેમના કાર્યકરો પર હુમલા કરવાના પણ આરોપો લગાવ્યા, જેના કારણે મતદાન ઓછું થયું અને તેમને ન્યાય મળ્યો નથી. ભીખા રબારીએ પોતાની 50 વર્ષની જાહેર સેવા કારકિર્દીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ જીવંત રહેશે ત્યાં સુધી જનતાની સેવા કરતા રહેશે, ભલે તેમને ચૂંટણીમાં હાર મળી હોય.
ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અનેક ઘટનાઓ બની હતી. શરૂઆતમાં ભાજપ દ્વારા છાણીના સતીશ પટેલને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી. મતદાનના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કુલ 37% જેટલું મતદાન નોંધાયું હતું, જે ગત વિધાનસભા ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ કરતાં પણ ઓછું હતું.

