(જી.એન.એસ) તા. ૧૪
અમદાવાદ,
શહેરમાં રાજ્ય વેરા કમિશનરની કચેરીના ક્લાસ-2 ઓફિસર સહિત બે કર્મચારી રૂ.25,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. જેમાં રાજ્ય વેરા અધિકારી અને રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસાની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ને જાણ કરી હતી. આ પછી ACBએ છટકું ગોઠવીને બંને કર્મચારીઓને રંગેહાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાંચ કેસમાં થયેલ ફરિયાદ અનુસાર, ફરિયાદી ‘યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી’ કંપનીના નામે એર કોમ્પ્રેસરનું સેલ્સ અને સર્વીસ કરવાનું કામ કરે છે અને નિયમિત પણે કંપનીનું ત્રિમાસિક જી.એસ.ટી. રીટર્ન પણ ફાઇલ કરાવે છે. જો કે, વ્યવસાયમાં આર્થિક તંગી આવતા ફરિયાદી 04/2026થી 06/2026 સુધીનું ત્રિમાસિક જી.એસ.ટી. રીટર્ન ફાઇલ કરી શક્યા નહોતા અને જી.એસ.ટી. ટેક્ષના નાણા પણ ભરી શક્યા ન હતા. સમગ્ર મામલે અમદાવાદના બહુમાળી બિલ્ડિંગ લાલદરવારાજ સ્થિત સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6 દ્વારા ફરિયાદીની કંપનીનું સેવિંગ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું.
બેંક એકાઉન્ટ ફ્રીઝ થયાની જાણ થતાં ફરિયાદ રાજ્ય વેરા કમિશનરની કચેરીએ જઈને એકાઉન્ટ અનફ્રીઝ કરવાની માંગણી કરી હતી. જેમાં રાજ્ય વેરાના ક્લાસ 2-3 અધિકારી દ્વારા ફરિયાદીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ. 25,000ની લાંચની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદીએ ACBને જાણ કરતાં અંતે 14 ઓગસ્ટ, 2026ના રોજ બંનેને લાંચ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડવામાં આવે છે.
- કમલેશકુમાર બાબુજી ઠાકોર (રાજ્ય વેરા ઓફિસર, ક્લાસ-2,)
- મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરી (રાજય વેરા નિરીક્ષક, ક્લાસ-3)
બંને આરોપી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6, અમદાવાદના કર્મચારી છે.

