(જી.એન.એસ) તા. ૨૧
રાજકોટ,
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વના ઘટનાક્રમમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એક અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટ છેલ્લા 6 મહિનાની ભારે જહેમત બાદ કાર્યરત કરાયો છે અને સમગ્ર દેશભરની મહાનગરપાલિકાઓમાં આવી સિસ્ટમ સૌપ્રથમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરમાં હાલ ચાલી રહેલા અંદાજે ₹1,784 કરોડના વિકાસ કામોની શરૂઆતથી લઈને પૂર્ણાહુતિ સુધીની તમામ ક્ષણ-ક્ષણની વિગતો હવે આ AI સોફ્ટવેર મારફતે સીધી કમિશનરના રડારમાં રહેશે.
RMC ઓફીસ ખાતે આ સિસ્ટમ માટે ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાંથી તમામ કામોની સમીક્ષા થશે. પ્રતિદિન 15 જેટલા વિશેષ પ્રશિક્ષિત કર્મચારીઓ આ સોફ્ટવેર અને ફિલ્ડ સાઇટનું લાઈવ મોનિટરિંગ કરશે.કોર્પોરેટર દ્વારા રજૂ કરાતા વિકાસ કામોની ખરેખર જરૂરિયાત છે કે નહીં તે આ ડેટાબેઝ દ્વારા ચકાસ્યા બાદ જ મંજૂરી અપાશે. સાઇટ પર કયું મટીરિયલ વપરાઈ રહ્યું છે અને કામ કેટલી ટકાવારી પૂર્ણ થયું છે તે રીઅલ-ટાઇમ અપડેટ થશે.
હવેથી દરેક કોન્ટ્રાક્ટરે પોતાની દૈનિક કામગીરીની પ્રગતિની વિગતો ફરજિયાતપણે દરરોજ સિસ્ટમમાં અપલોડ કરવી પડશે. વિઝિટ માટે જતા મનપાના એન્જિનિયરો અને અધિકારીઓએ સ્થળ પરથી જ જીઓ-ટેગિંગવાળા ફોટોગ્રાફ્સ સાથેનો ડેટા સિસ્ટમમાં સબમિટ કરવો પડશે.તમામ પ્રોજેક્ટ્સની આ માહિતી જાહેર પ્લેટફોર્મ પર ઓનલાઇન મુકાશે, જેથી સામાન્ય નાગરિકો પણ વિકાસ કામોની સ્થિતિ જોઈ શકશે.
જો કે, ઘણા સમયથી અત્યાર સુધી વિજિલન્સ ટીમ નીકળે ત્યારે કોન્ટ્રાક્ટરોને પહેલેથી માહિતી મળી જતી હોવાની ફરિયાદો રહેતી હતી.હવે જો કોઈ કામમાં ગેરરીતિની આશંકા જણાશે અને વિજિલન્સ તપાસની જરૂર ઊભી થશે, તો તપાસ ટીમના જીપીએસ પર માત્ર ૨૦૦ મીટર પહેલાં જ ચોક્કસ સાઇટનું લોકેશન ખુલશે.આ ગુપ્તતાના કારણે તપાસ ટીમને પણ છેલ્લી ઘડી સુધી ખબર નહીં હોય કે તેઓ કઈ સાઇટની તપાસ કરવા જઈ રહ્યા છે, જેનાથી માહિતી લીક થવાની શક્યતા શૂન્ય થઈ જશે.

