સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે 699 લોકોના ડેન્ગ્યુ ટેસ્ટ, 147ના રિપોર્ટ પોઝિટિવ; સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડમાં આવેલા જવાનો પણ ઝપેટમાં
(જી.એન.એસ) તા. ૧૫
ગાંધીનગર,
રાજ્યના પાટનગરમાં છેલ્લા ૪૫ દિવસમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં ડેન્ગ્યુના આશરે 200 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં 113 અને ચાલુ ઓક્ટોબર મહિનાના પ્રથમ 15 દિવસમાં 87 લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. બીજી તરફ, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યાને લઈને ચિંતા વધી રહી છે. જોકે, ગરમી વધતાં અન્ય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.
મહત્વનું છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 699 લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી 147 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ આંકડા ડેન્ગ્યુના સંક્રમણની ગંભીરતા દર્શાવે છે. બીજી તરફ, પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો કમળાના 28 દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી ત્રણ દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે H1n1 સ્વાઈન ફ્લૂના પાંચ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ બાબતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 113 કેસ નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબરના પ્રથમ 15 દિવસમાં વધુ 87 કેસ સામે આવ્યા છે. આ મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી પરેડમાં ભાગ લેવા આવેલા મોટી સંખ્યામાં જવાનો પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ચાલુ મહિનામાં નોંધાયેલા કેસમાં જવાનોનો પણ મોટો હિસ્સો હોવાનું તંત્રનું કહેવું છે.
મહત્વનું છે કે, ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાતાં આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. સિવિલ હોસ્પિટલમાં થયેલા ટેસ્ટ અને પોઝિટિવ દર્દીઓના આંકડા પણ સંક્રમણની સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. ડેન્ગ્યુના વધતા કેસને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પોતાના રહેણાક અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું અટકાવવું, પાણીના પાત્રોની નિયમિત સફાઈ કરવી અને મચ્છરોથી બચવા જરૂરી તકેદારી રાખવી જરૂરી બની છે.

