કૃષિ મંત્રીશ્રી જીતુ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રીશ્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વેચાણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન
(જી.એન.એસ) તા. ૧૫
ગાંધીનગર,
રાજ્યમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા, લોકભવનના સચિવ શ્રી મેહુલ દવે, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તેમજ આત્મા, પશુપાલન અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવા, પ્રાકૃતિક કૃષિ પેદાશોને બજાર સાથે જોડવા અને ગ્રાહકોમાં પ્રાકૃતિક પેદાશો પ્રત્યે વિશ્વાસ વધારવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ માટે સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી પણ એટલી જ આવશ્યક છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોની વિશ્વસનીયતા સ્થાપિત કરવા માટે સર્ટિફિકેશનની વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. સર્ટિફિકેશનના આધારે ગ્રાહકોને પેદાશોની પ્રાકૃતિક ખેતી અંગેની ઓળખ અને વિશ્વસનીયતા અંગે યોગ્ય માહિતી મળી શકશે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીની પેદાશોનું વેચાણ વધારવા માટે રાજ્યમાં કાર્યરત વેચાણ કેન્દ્રોની કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો. વેચાણ કેન્દ્રો પર પેદાશોની ગુણવત્તા, નિયમિત પુરવઠો, યોગ્ય વ્યવસ્થાપન અને ગ્રાહકોમાં જાગૃતિ વધે તે માટે જરૂરી પગલાં લેવા રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો હેતુ માત્ર ખેતીની પદ્ધતિમાં પરિવર્તન લાવવાનો નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા જાળવવી, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું, ખેતી ખર્ચ ઘટાડવા માટે પ્રયત્નશીલ રહેવું અને ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવાનો છે. આ માટે કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સતત સંકલન જરૂરી છે.
બેઠકમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા હાથ ધરવામાં આવતા સંશોધન અને પ્રયોગોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો પર પ્રયોગો કરવા, ખેડૂતોને સંશોધન સાથે જોડવા તથા જમીનની તંદુરસ્તી, પાકની ઉત્પાદકતા, ખેતી ખર્ચ અને ખેડૂતોની આવક જેવા મુદ્દાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંશોધનનાં પરિણામો ખેડૂતો સુધી પહોંચે અને ખેતીની પદ્ધતિઓમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં કાર્ય કરવા પણ અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે ઉપલબ્ધ માનવ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવામાં આવે. જિલ્લા અને તાલુકા સ્તરે કામગીરીની નિયમિત સમીક્ષા, જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન, માસિક પ્રગતિ અહેવાલ અને ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા દેખરેખની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી જોઈએ. ખેડૂતોને તાલીમ આપ્યા બાદ તેઓ વાસ્તવમાં પ્રાકૃતિક ખેતી અપનાવે છે કે નહીં તેની પણ નિયમિત ચકાસણી થવી જોઈએ.
બેઠકમાં આગામી રવિ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકની પસંદગી, બીજ, જીવામૃતના ઉપયોગ, જીવાત અને રોગ નિયંત્રણ તથા જમીનની તંદુરસ્તી અંગે માર્ગદર્શન આપવા માટે તાલીમ, વેબિનાર અને જાગૃતિ કાર્યક્રમો યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સત્વરે સર્ટિફિકેશન મળી રહે તે માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. બેઠક દરમિયાન રાજ્યપાલશ્રી, મંત્રીશ્રીઓના હસ્તે પ્રથમ તબક્કામાં 2,400થી વધુ ખેડૂતોના પ્રમાણપત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકાનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

