(જી.એન.એસ) તા. ૨૧
જામનગર,
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ગુજરાતના જામનગર મહેમાન બન્યા છે. 20થી 22 ઓક્ટોબર દરમિયાન ભારતના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે આવેલા માર્કો રૂબિયોની મુલાકાત બન્ને દેશના વેપારી અને વ્યૂહાત્મક સંબંધોના સંદર્ભમાં અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમેરિકાના મંત્રી રૂબિયો જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી વિશાળ ઓઇલ રિફાઇનરી કોમ્પલેક્સની મુલાકાત લેશે. વિશ્વકક્ષાની આ પેટ્રોકેમિકલ અને રિફાઇનિંગ સુવિધાની સમીક્ષા કર્યા બાદ, તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન બન્ને અગ્રણીઓ વચ્ચે ઊર્જા ક્ષેત્રના ભવિષ્ય અને વૈશ્વિક સપ્લાય ચેઇન અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.
અમેરિકી નેતાની ભારત મુલાકાત બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ઊર્જા સહયોગ, ક્રૂડ ઓઇલની આયાત-નિકાસ અને ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવા પર કેન્દ્રિત રહેશે. વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા જ્યારે એક મહત્ત્વનો પડકાર બની રહી છે, ત્યારે અમેરિકાના ટોચના રાજદ્વારીનું જામનગર આગમન આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ધ્યાન ખેંચી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે નવા વ્યાપારિક કરારો અને રણનીતિક ભાગીદારીને લઈને ગંભીર મનોમંથન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટના આગમનને પગલે સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને રિલાયન્સ પરિસર સુધીના તમામ માર્ગો પર વિશાળ કોન્વોય સાથે ખાસ સુરક્ષા કવચ ગોઠવી દેવાયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. માર્કો રુબિયોનો આ પ્રવાસ ભારત-અમેરિકાના ગાઢ સંબંધોમાં ઔદ્યોગિક અને આર્થિક સ્તરે એક નવો સીમાચિહ્ન સાબિત થઈ શકે છે.

