(જી.એન.એસ) તા. ૧૫
જૂનાગઢ,
જૂનાગઢ મહાનગરપાલિકાના આજે યોજાયેલા જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો એક બીજા સામે આક્ષેપબાજી કરી સમય વેડફ્યો હોય તેવી ઘટના સામે આવી છે.
પત્રકારો સાધારણ સભાનું લાઈવ વીડિયો રેકોર્ડિંગ કરી શકે તેને લઈને અધ્યક્ષ સ્થાનેથી પ્રતિબંધ લગાવવામાં આવતા વિપક્ષે શાસક પક્ષની આ નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભારે ધમાલ વચ્ચે સાધારણ સભાનું કામ અડધી કલાક સુધી અટકી પડ્યું હતું. અંતે હવે પછીની મળનારી બેઠકમાં પત્રકારો વિડિયો કરી શકે તેવી જગ્યા પર વિપક્ષ ને નવા સ્થાને બેસવાની જગ્યા ઊભી કરવામાં આવશે તેવા વૈકલ્પિક સમાધાન ને પગલે સાધારણ સભા શરૂ થઈ હતી.
જાહેર જનતાના પ્રશ્નો અને શહેરના વિકાસ કાર્યો અંગે સકારાત્મક ચર્ચા કરવાને બદલે જનરલ બોર્ડમાં મનમાની, ભારે હોબાળો અને રાજકીય સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો હીન પ્રયાસ જોવા મળ્યો હતો. બોર્ડની ગરિમા લજવાય તે પ્રકારે વિકાસની વાતો કોરાણે મૂકીને માત્ર હંગામો કરવામાં આવતાં પ્રજાકીય મુદ્દાઓ વગર ઉકેલે રહી ગયા હતા.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારો સાધારણ સભામાં નિર્ધારિત કરવામાં આવેલી જગ્યા પર બેસીને સાધારણ સભાનું રિપોર્ટિંગ કરી શકે આવી વ્યવસ્થા અધ્યક્ષ અને મેયર ધર્મેશ પોશિયાએ કરી હતી, જેના વિરોધમાં સમગ્ર વિપક્ષના કોર્પોરેટરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને શાસક પક્ષની આ પ્રકારની નીતિ રીતિ સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
આ બાબતે વિપક્ષના નેતા લલિત પરસાણાએ શાસક પક્ષની નીતિ અને નિયતિ પર સવાલ ઉઠાવતા ઉગ્ર વિરોધ કર્યો અને જણાવ્યું કે, વિપક્ષના સભ્યો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામો અને સત્તાધારી પક્ષની પોલ છતી કરે છે. માધ્યમો થકી જૂનાગઢના સામાન્ય લોકોની વચ્ચે તેમની પોલ ન છતી થાય તે માટે સત્તાધારી પક્ષ અવનવા ગતકડાં કરી રહ્યો છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. વિપક્ષ પોતાના નિર્ધારિત સ્થળેથી તમામ સભ્યો ઊભા થઈને જનરલ બોર્ડની મેસમાં બેસી ગયા હતા અને અહીંથી જ જનરલ બોર્ડનું કામકાજ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સાધારણ સભામાં આશરે 30 મિનિટ સુધી કોર્પોરેટરોના હોબાળા વચ્ચે ચાલી હતી, ત્યારબાદ મેયર ધર્મેશ પોશિયાએ વિપક્ષના તમામ સભ્ય અને નેતા વિપક્ષને હવે પછી, જ્યારે નવી સાધારણ સભાનું આયોજન થશે, તેમાં પત્રકારો વિપક્ષના વિડીયો કરી શકે તેવી જગ્યા પર તેમને નવી બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવે તેવી વિનંતી કરી હતી. જેની સાથે વિપક્ષના સભ્યો અને નેતા વિપક્ષ સહમત થતાં હવે પછીની જ્યારે નવી સાધારણ સભા બોલાવવામાં આવશે ત્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં વિપક્ષ નવા સ્થળે બેઠેલું જોવા મળશે.

