(જી.એન.એસ) તા. ૨૧
અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં શિક્ષણ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલને સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે અને અંકિત રાઠોડને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ વરણી બાદ મેયર સહિતના હોદ્દેદારોએ બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 400થી વધુ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને શિક્ષણની સુવિધાઓમાં સુધારો થાય તે દિશામાં સ્કૂલ બોર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી સાથે હવે આગામી દિવસોમાં શિક્ષણ સંબંધિત વિવિધ કામગીરીને આગળ વધારવાની જવાબદારી નવા હોદ્દેદારોના શિરે રહેશે.
આ નિમણૂક અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સ્કૂલ બોર્ડની બેઠક દરમિયાન પ્રજ્ઞેશ પટેલને સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અંકિતભાઈ રાઠોડને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
સ્કૂલ બોર્ડના નવનિયુક્ત ચેરમેન પ્રજ્ઞેશ પટેલે પોતાની વરણી બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. આ જવાબદારી સોંપવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પક્ષ પ્રમુખ નીતિન નવીન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર હિતેશ બારોટનો આભાર માન્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોનાં બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રને વધુ આગળ વધારવા અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે.
અમદાવાદ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડ હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો પડકાર નવા હોદ્દેદારો સામે રહેશે. ત્યારે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના કાર્યકાળ દરમિયાન સ્કૂલ બોર્ડની કામગીરીને કેવી રીતે નવી દિશા મળે છે તેના પર સૌની નજર રહેશે.

