(જી.એન.એસ) તા. ૧૩
સુરત,
હાલ ચાલી રહેલ નવરાત્રી અને આવનારા તહેવારો દરમિયાન શહેર અને રાજ્યમાં ઘીની વધતી ડીમાન્ડ ને પહોંચી વળવા અમુક લોકોની ખરાબ વૃત્તિ ને કરને ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન કરી બજારમાં વેચાણ કરવાનો પર્દાફાશ થયો છે.
શહેરની ઉત્રાણ પોલીસે અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉનમાં ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે શંકાસ્પદ ઘી, વનસ્પતિ ડાલડા, સોયાબીન તેલ અને પેકિંગ મશીનરી સહિત કુલ 18.21 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
સુરતની ઉત્રાણ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉમરા-અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના પતરાના શેડવાળા ગોડાઉન નંબર-18માં સન્ની મોદી અને કિશન મોદી નામના શખ્સો કથિત રીતે નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે પંચો અને ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ દરમિયાન ઘી બનાવવા અને તેનું પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્થળ પરથી પ્રોટો વનસ્પતિ ડાલડા ઘીના 15 કિલોના 35 ડબ્બા, જેની કિંમત આશરે રૂ. 1.15 લાખ છે, રિફાઇન્ડ સોયાબીન તેલના 32 ડબ્બા, જેની કિંમત રૂ. 97 હજાર છે, તેમજ 795 કિલો છૂટક ઘી, જેની કિંમત રૂ. 4.76 લાખ છે, મળી આવ્યું હતું.
આ સમગ્ર મામલેતપાસ દરમિયાન પોલીસને ‘Saahas Premium Cow Ghee’ બ્રાન્ડના નામે પેકિંગ કરાયેલો આશરે 900 કિલો ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 5.40 લાખ હોવાનું જણાવાયું છે. ઘીના નાના પાઉચ અને પેકિંગ મશીનરી સહિત કુલ રૂ. 18.21 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
સમગ્ર મામલે પોલીસે સન્ની મોદી, કિશન મોદી અને કલ્પેશ મોદીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓ હાલ સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ લેક ગાર્ડન સામે આવેલી લેક વ્યૂ રેસિડેન્સીમાં રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આગામી તહેવારો દરમિયાન મીઠાઈ બનાવવા, ધાર્મિક પૂજા અને અન્ય ઉપયોગ માટે ઘીની માંગ વધતી હોય છે. ત્યારે શંકાસ્પદ ઘીનો આ જથ્થો બ્રાન્ડેડ પાઉચ અને ડબ્બામાં પેક કરીને બજારમાં વેચાણ માટે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, સમયસર કાર્યવાહી થતાં આ જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ કબજે કરવામાં આવ્યો હતો.
ઉત્રાણ પોલીસના પીએસઆઈ ડી.ડી. રાઠોડ અને સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ફૂડ સેફ્ટી વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે જપ્ત કરાયેલા ઘીના નમૂના વધુ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. નમૂનાઓના પરીક્ષણના અહેવાલ અને તપાસના આધારે ઘીની ગુણવત્તા, ભેળસેળ તથા વેચાણના નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

