વડોદરા ખાતેથી ખેલ મહાકુંભ-૨૦૨૬ના રાજ્યવ્યાપી રંગારંગ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ખેલમહાકુંભ – ૨૦૨૫માં વિજેતા શ્રેષ્ઠ શાળાઓ, શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓ તથા શ્રેષ્ઠ જિલ્લાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોકડ પુરસ્કાર થકી સન્માનિત કરાયા
(જી.એન.એસ) તા. ૯
વડોદરા,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતેથી ખેલમહાકુંભ-૨૦૨૬નો રંગારંગ પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના યુવાનોને રમતગમત પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરવામાં ઉદ્દીપક બનેલા ખેલમહાકુંભને મુખ્યમંત્રીશ્રીએ રમતગમતને માત્ર મનોરંજન નહીં, પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસ, શિસ્ત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રગૌરવના માધ્યમ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
સમારોહનો ભવ્ય પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના પ્રયાસોથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વ્યાપક વિકાસ થયો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તેના ખેલ મહાકુંભ-૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ શાળાઓમાં પ્રથમ ક્રમે નોલેજ હાઇસ્કુલ નડિયાદ,જિલ્લો ખેડાને રૂપિયા ૫ લાખનો ચેક તથા ટ્રોફી, દ્વિતીય ક્રમે વડોદરાની ઊર્મિ સ્કુલને રૂ. ૩.૦૦ લાખ અને દેવગઢ બારીયા જિલ્લો દાહોદની એસ.આર. હાઇસ્કુલ તૃતીય ક્રમે વિજેતા બનતા રૂ. ૨.૦૦ લાખનો પુરસ્કાર એનાયત કરાયો હતો.

શ્રેષ્ઠ જિલ્લાઓમાં મહેસાણા ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન, ખેડા સ્ટેટ રનર્સઅપ અને અમદાવાદ સ્ટેટ સેકન્ડ રનર્સઅપ બન્યા છે.
આ સાથે શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓની શ્રેણીમાં સુરત મહાનગરપાલિકા ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન, અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેટ રનર્સઅપ અને વડોદરા મહાનગરપાલિકા સ્ટેટ સેકન્ડ રનર્સઅપ તરીકે વિજેતા જાહેર થતા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સેવા અને નેતૃત્વનાં ૨૫ ર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન રમતગમત ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ, તાલીમ અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. ખેલો ઇન્ડિયા અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ જેવી યોજનાઓના માધ્યમથી ખેલાડીઓને પાયાના સ્તરેથી પ્રતિભા નિખારવાની અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની વધુ તકો મળી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રમતગમતને લોકચળવળનું સ્વરૂપ આપવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે શરૂ થયેલા આ આયોજનથી રાજ્યના ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે વિશાળ પ્લેટફોર્મ મળ્યું છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’નો સંકલ્પ આજે રાજ્યના રમતવીરમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ક્યારેય કમી નહોતી, પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ અને તકની જરૂર હતી. ખેલ મહાકુંભે આ જરૂરિયાતને પૂર્ણ કરીને રાજ્યમાં રમતગમતની નવી સંસ્કૃતિ ઊભી કરી છે. પ્રથમ ખેલ મહાકુંભમાં અંદાજે ૧૬.૫ લાખ રમતવીરોએ ભાગ લીધો હતો, જ્યારે વર્ષ ૨૦૨૬ના ખેલ મહાકુંભમાં ૭૬ લાખથી વધુ રમતવીરોની ભાગીદારીનો રેકોર્ડ સર્જાવાની અપેક્ષા છે. આ વધતી ભાગીદારી રમતગમત પ્રત્યેના લોકજોડાણ અને યુવાનોના ઉત્સાહનું પ્રતિબિંબ છે.
રમતગમતના વિકાસ માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ, આધુનિક સાધનો અને ગુણવત્તાયુક્ત તાલીમ અનિવાર્ય છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૬માં શરૂ કરવામાં આવેલી શક્તિદૂત યોજના દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે. ખેલો ઇન્ડિયા હેઠળ ગુજરાતના આશરે ૪૧૦ ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે, જ્યારે રાજ્યના ૧૧ જેટલા ટોપ્સ એથ્લેટ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમ પણ શ્રી પટેલે કહ્યું હતું.

મહિલા રમતવીરોની ભાગીદારી અંગે મુખ્યમંત્રીએ ખાસ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩થી શરૂ થયેલી ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ, જેને ‘અસ્મિતા’ તરીકે ઓળખવામાં આવે છે, તેના પરિણામે મહિલા રમતવીરોને આગળ વધવાની વધુ તકો મળી છે. અસ્મિતા યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે ૨૧૨ સ્પર્ધાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ૩૩ હજારથી વધુ મહિલા રમતવીરોએ ભાગ લીધો છે. રમતગમત ક્ષેત્રે રાજ્યની દીકરીઓની સિદ્ધિઓ ગુજરાત માટે ગૌરવની બાબત છે અને મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ભવિષ્યમાં પણ વધુ મજબૂત બનાવવામાં આવશે.
વડાપ્રધાનશ્રીની વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિક માટેની હાકલનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વસ્તરની ઓલિમ્પિક સ્પર્ધાઓમાં અનેક રમતો અને સેંકડો ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે, પરંતુ ભારતીય ખેલાડીઓની ભાગીદારી હજુ પણ અનેક રમતોમાં મર્યાદિત છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૩૬ સુધીમાં ભારતને વધુ રમતોમાં સક્ષમ પ્રતિનિધિત્વ અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ પડકારને ગુજરાત તક તરીકે સ્વીકારીને પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ, તેમની ક્ષમતા મુજબ તાલીમ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારી માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી દિવસોમાં ટેલેન્ટ હન્ટ અભિયાન હાથ ધરીને બાળકો અને યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખવામાં આવશે. પસંદગી પામેલા ખેલાડીઓને તેમની રમતની જરૂરિયાત મુજબ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી શકે. ગુજરાતમાં વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની દિશામાં તૈયારી અને વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકની યજમાની મેળવવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ૧૦થી ૧૨ વર્ષનાં બાળકોને ભવિષ્યના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તરીકે તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવશે.
યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ યુવાનોને પ્લે-સ્ટેશન છોડીને પ્લેગ્રાઉન્ડ તરફ વળવા પ્રેરિત કર્યા છે. આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઇમ ઘટાડીને મેદાન પર રમવાની ટેવ કેળવવી જરૂરી છે. ખેલાડીઓ ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના સાચા દૂત બની શકે છે અને પોતાના મિત્રો તથા અન્ય યુવાનોને નિયમિત રમતગમત, શારીરિક કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી શકે છે. રમતગમત શિસ્ત, સંયમ, ટીમભાવના અને સકારાત્મક જીવનદૃષ્ટિ વિકસાવવામાં મહત્તવપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવાનોની સામૂહિક પ્રતિબદ્ધતા નશામુક્ત સમાજ અને સશક્ત ભારતના નિર્માણમાં નિર્ણાયક બની શકે છે.
અંતે તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ આપેલો ‘વી વિલ ડૂ ઇટ’નો મંત્ર દરેક ખેલાડીના સંકલ્પ અને સંઘર્ષની ભાવના સાથે સુસંગત છે. રાજ્ય સરકાર ખેલકૂદના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. ત્યારે ખેલ મહાકુંભ માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતની યુવા શક્તિને યોગ્ય દિશા આપતું અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને મજબૂત બનાવતું અભિયાન છે. રાજ્યના દરેક રમતવીરે શ્રેષ્ઠ પ્રદર્શન, નિષ્ઠા અને શિસ્તના બળે પોતાની પ્રતિભાને નવી ઊંચાઈએ પહોંચાડીને ગુજરાત તથા દેશનું નામ ઉજ્જવળ બનાવવું જોઈએ એમ અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શાળા કક્ષાએથી લઈને ગામડાઓ અને શહેરોના પ્રત્યેક વિદ્યાર્થી અને યુવાન ખેલ મહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે વિશેષ મહેનત અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવાનો માત્ર મોબાઇલ, ટીવી કે અન્ય ડિજિટલ માધ્યમો સુધી સીમિત ન રહેતા રમતગમતના મેદાન પર આવે તે માટે આ વિશેષ પહેલ કરવામાં આવી છે. રમતના મેદાન પર રમવાથી યુવાનોમાં હારને પચાવવાની અને જીતમાં અહંકારી ન બનવાની રમતભાવના ખીલે છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આશરે ૧૬ લાખ યુવાનો સાથે શરૂ થયેલી આ ખેલ યાત્રા આજે વટવૃક્ષ બની ગઈ છે અને રાજ્યના લાખો યુવાનો તેમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે. ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતમાંથી અનેક તેજસ્વી રમતવીરો તૈયાર થયા છે, જેમણે એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય મેદાનો પર ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી એ વધુમા ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓની તાલીમ અને સુવિધાઓ માટે બજેટમાં ૪ ગણો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ‘શક્તિ દૂત’ યોજના હેઠળ અગાઉ ૫૦ ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી, જે વધારીને હવે ૫૦૦ ખેલાડીઓને સીધો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યમાં કૉમનવેલ્થ ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું શ્રેષ્ઠ અને ઐતિહાસિક આયોજન થાય તે દિશામાં રમતગમત વિભાગ દ્વારા તાલુકા અને ગ્રામીણ કક્ષા સુધી ઉત્કૃષ્ટ સંસાધનો પહોંચાડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
સચિવ શ્રી રાહુલ ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરી ખેલ મહાકુંભની રૂપરેખા વર્ણવી હતી.
આ સમારોહમાં મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, દંડકશ્રી બાલકૃષ્ણ શુક્લ,, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા,શ્રી ચૈતન્યભાઇ દેસાઇ અને શ્રી સતિષભાઇ પટેલ, સુરતના મેયર શ્રી માયાબેન માવાણી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકુમાર બેનિવાલ, કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા, સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેલાડી ભાઈ-બહેનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

