(જી.એન.એસ) તા. ૭
અમદાવાદ,
શહેરની જાણીતી શાળાઓ ઉપરાંત દેશ દુનિયામાં પ્રખ્યાત એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝના આગામી મ્યુઝિકલ કાર્યક્રમને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. શહેરના 10 જેટલા સંવેદનશીલ સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ તરતજ વધુ સતર્ક થઈને તપાસમાં જોડાઈ છે.
આ સમગ્ર ગંભીર ઘટના બાબતે મળતી માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ઝાયડસ સ્કૂલ સહિત શહેરની લગભગ 10 જેટલી શાળાઓને ઈમેલ કે સંદેશા મારફતે બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ બાળકોને સુરક્ષિત રીતે ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા અને શાળામાં વહેલી રજા જાહેર કરી દેવાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ચિંતિત વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળા પરિસરે દોડી આવ્યા હતા.
પણ આ ધમકી માત્ર શાળાઓ પૂરતી મર્યાદિત ન રહેતા, મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પ્રખ્યાત કલાકાર દિલજીત દોસાંઝના કાર્યક્રમને પણ નિશાન બનાવવામાં આવતા સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે. જ્યાં હજારો લોકોની ભીડ એકત્રિત થવાની સંભાવના હોય છે તેવા જાહેર સ્થળો અને કાર્યક્રમોનો ઉલ્લેખ ધમકીમાં કરાતા શહેર પોલીસ દ્વારા તમામ સ્થળોની સઘન સુરક્ષા સમીક્ષા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે અને એન્ટ્રી પોઈન્ટ્સ પર તપાસ કડક બનાવી દેવાઈ છે.
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન સર્ચ ઓપરેશન
ધમકીની માહિતી મળતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસની ટીમો, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કલિક સ્થળ પર પહોંચી તપાસ કરવામાં લાગી ગઈ હતી. ઝાયડસ સ્કૂલ પરિસર તેમજ અન્ય સંસ્થાઓમાં ખૂણે-ખૂણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વર્ગખંડો, પાર્કિંગ એરિયા અને મેદાન વિસ્તારની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
જો કે, આ પહેલા પણ શહેરમાં શાળાઓને ફેક ઈમેલ દ્વારા ધમકી આપવાના બનાવો સામે આવ્યા હતા. આ ધમકી કોઈ તોફાની તત્વો દ્વારા ડર ફેલાવવા માટે કરવામાં આવેલો હોક્સ કોલ છે કે, કોઈ સુનિયોજિત ષડયંત્ર, તે દિશામાં સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. જે આઈપી એડ્રેસ કે એકાઉન્ટ પરથી સંદેશો મોકલવામાં આવ્યો છે તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પોલીસે નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી ન ડરવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

