(જી.એન.એસ) તા. 3
આણંદ/અમદાવાદ,
આણંદ જિલ્લામાં બપોરના સુમારે એક માલગાડીનો ડબ્બો રેલવે ટ્રેક પરથી ઉતરી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે વ્યસ્ત અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા ઊભી થઈ છે.
આણંદ રેલવે સ્ટેશન પાસે ભાલેજ ઓવર બ્રિજ નજીક અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી નીચે ઉતરી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ચાલુ ટ્રેને માલગાડી પાટા પરથી ખસી જતાં મોટો અવાજ થયો હતો, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી રેલવે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવની જાણ થતાં જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક રહીશોના ટોળેટોળાં પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. રેલવે ટ્રાફિકને વધુ અસર ન પહોંચે તે માટે અધિકારીઓ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રેલવે અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવવા અને રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, રેલવે વિભાગ દ્વારા ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સ્થિતિ અને દ્રશ્યો જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાંજ પછી અમદાવાદ-મુંબઈ રૂટ પરની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થઈ શકે છે.

