(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ અન્વયે ગુજરાત લોકભવનની પહેલ

રાજ્યપાલશ્રી સાધારણ બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી
રાજ્યપાલશ્રીએ પ્રોટોકોલને મુક્યા બાજુ પર: કાફલામાં હશે ન્યૂનતમ ગાડીઓ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 મે, 2026ના રોજ હૈદરાબાદમાં સંબોધનમાં ભારતને સશક્ત બનાવવા માટે ‘આર્થિક આત્મરક્ષા’નો મંત્ર આપતા સાત વિશેષ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીશ્રીના આ આહ્વાનને શિરોધાર્ય કરીને, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને અનેક પ્રેરણાદાયી નિર્ણયો લીધા હતા. આ બેઠકમાં લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ગૃહ નિયામક શ્રી એ.કે. જોશી, એડીસી શ્રી શુભમ કુમાર સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી રાજ્યની અંદરના કોઈપણ કાર્યક્રમ માટે તેઓ હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીનો ઉપયોગ કરશે નહીં. તેના બદલે તેઓ રાજ્યમાં પ્રવાસ માટે ટ્રેન, એસ.ટી. બસો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં ન્યૂનતમ ગાડીઓ રાખવા સૂચના આપી છે, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે.
રાજ્યપાલશ્રીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ ‘કમ્બશન એન્જિન મુક્ત’ દિવસ તરીકે ઉજવે. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે. સાથે જ, તેમણે પ્રશાસનના તમામ અધિકારીઓ-કર્મચારીઓને પણ નિર્દેશ આપ્યા છે કે તેઓ સરકારી કામોમાં બિનજરૂરી વાહનોનો ઉપયોગ બંધ કરે અને ઇંધણ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરે.
રાજ્યપાલ મહોદયના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી સાત અપીલો પૈકી ઇંધણ બચાવવું, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા, પ્રાકૃતિક ખેતી અપનાવવી અને ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ પગલાં માત્ર આર્થિક બચત નથી, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય છે. આપણા દ્વારા બચાવેલ ઇંધણનું એક-એક ટીપું અને એક-એક રૂપિયો ભારતને આત્મનિર્ભર બનાવવામાં ફાળો આપશે. જો આપણે આજે થોડો ત્યાગ કરીશું, તો આવતીકાલનું ભારત વધુ સુરક્ષિત, સમૃદ્ધ અને શક્તિશાળી બનશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો આપણે આપણી વ્યક્તિગત સુખ-સુવિધાઓથી ઉપર ઉઠીને ‘રાષ્ટ્ર પ્રથમ’ના કર્તવ્યને પસંદ કરીશું, તો ભારત આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બનશે. તેમણે ગુજરાતના પ્રત્યેક નાગરિકને ‘આર્થિક આત્મરક્ષા’ના આ મહાયજ્ઞમાં જોડાવા આહ્વાન કર્યું છે.

