(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
હાલનાવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલ ને ધ્યાનમાં રાખીને કદાચ કોઈ સંકટ આવે તો પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આ અપીલને ઝીલી લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે એક મોટો અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. હવેથી તેઓ પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે.
ઈંધણ બચાવવું એ આપણી નૈતિક ફરજ છે
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિશ્વમાં યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ આ નિયમનું ચુસ્તપણે પાલન કરશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રહિતમાં પોતાનું વ્યક્તિગત યોગદાન આપવાનો છે. કેન્દ્રીય મંત્રીએ આજથી જ આ નિયમનો અમલ શરૂ કરી દીધો છે, જે અન્ય લોકપ્રતિનિધિઓ માટે પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. સી.આર.પાટીલે ઉમેર્યું હતું કે, “એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું એ આપણી નૈતિક ફરજ છે.”
આ નિર્ણયની અસર માત્ર કેન્દ્ર સુધી સીમિત નથી રહી, પરંતુ ગુજરાતના મંત્રીમંડળમાં પણ તેનો ઘેરો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા (Praful Pansheriya) અને ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા (Kanti Amrutiya) એ પણ પ્રધાનમંત્રીની અપીલને માન આપીને પાયલોટિંગ ગાડીઓ નહીં લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના મોટાભાગના મંત્રીઓ હવે જ્યારે પોતાના વિસ્તારમાં પ્રવાસે જશે, ત્યારે પાયલોટિંગની સુવિધા નહીં માંગે તેવી શક્યતા છે.
ઈંધણની બચત દ્વારા પર્યાવરણ અને દેશના અર્થતંત્રને પણ ફાયદો થશે
સામાન્ય રીતે, પ્રોટોકોલ મુજબ મંત્રીઓને પાયલોટિંગ મળતું નથી હોતું, પરંતુ જ્યારે તેઓ પોતાના મતવિસ્તાર કે અન્ય જિલ્લાઓના પ્રવાસે જાય છે ત્યારે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પાયલોટિંગની માંગણી કરતા હોય છે. સી.આર.પાટીલના આ કદમથી માત્ર સરકારી તિજોરી પરનું ભારણ ઘટશે એટલું જ નહીં, પરંતુ ઈંધણની બચત દ્વારા પર્યાવરણ અને દેશના અર્થતંત્રને પણ ફાયદો થશે. આગામી દિવસોમાં ગુજરાતના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ માર્ગે ચાલીને કરકસરની નવી મિશાલ કાયમ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

