રિક્ષા ભાડામાં તોતિંગ 25% વધારો મંજૂર; હવે મિનિમમ ભાડું રૂ. 25
(જી.એન.એસ) તા. ૨૨
ગાંધીનગર/અમદાવાદ,
CNGના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષા ચાલકો માટે રાહતના અને જનતા માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાડા વધારાને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
નવા મંજૂર કરાયેલા દરો મુજબ, રિક્ષાના ભાડા માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે હવે રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ મિનિમમ ભાડું રૂ. 25 ચૂકવવું પડશે. અગાઉ રનિંગ ભાડું રૂ. 15 હતું, જેમાં રૂ. 5 નો તોતિંગ વધારો કરીને હવે રૂ. 20 નક્કી કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા રિક્ષા ભાડાના નવા દરોને લીલીઝંડી અપાતા જ હવે રિક્ષાચાલકો સત્તાવાર રીતે નવું ભાડું વસૂલી શકશે. જોકે, બીજી તરફ શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી વચ્ચે રિક્ષા ભાડાનો આ તોતિંગ વધારો સામાન્ય જનતાના માસિક બજેટને વધુ ખોરવશે તેમાં કોઈ બેમત નથી.
ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTOના અધિકારીઓ, અમદાવાદ રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશન તેમજ સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના હોદ્દેદારો અને વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ પક્ષો વચ્ચે ચાલેલી ચર્ચા બાદ સર્વસંમતિથી નવું ભાડું લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિયનની બે મુખ્ય માંગણીઓમાંથી તંત્રએ એક મહત્વની માંગ સ્વીકારીને આદેશ જાહેર કર્યો છે.

